December 23, 2024

સુરતના ચોર્યાસીમાં 18 હજાર વીઘા સરકારી જમીનમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ

અમિત રુપાપરા, સુરતઃ જિલ્લાના ઓલપાડ, મજૂરા સહિત ચોર્યાસી તાલુકામાં 18 હજાર વીઘા સરકારી જમીનમાં ગેરકાયદે ઝીંગા તળાવ ઉભા કરી દબાણ કરવામાં આવ્યું હોવાની જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવા છતાં મામલતદાર અથવા કલેકટર તરફથી હજી કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવી.

સુરત જિલ્લાના ઓલપાડ, મજૂરા સહિત ચોર્યાસી તાલુકામાં 18 હજાર વીઘા સરકારી જમીનમાં ગેરકાયદે ઝીંગા તળાવ ઉભા કરી દબાણ કરવામાં આવ્યું હોવાની જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરવા છતાં મામલતદાર અથવા કલેક્ટર તરફથી હજી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. રાજકીય આગેવાનોના મેળા પીપળા અને સાંઠગાંઠમાં હપ્તાખોરી કરી ગેરકાયદે દબાણો ઉભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ અને ખેડૂત અગ્રણી દર્શન નાયક દ્વારા કરવામાં આવ્યા છે. દર્શન નાયકે જણાવ્યું કે, સરકારી જમીન પરના દબાણો દૂર કરવાનો સરકારનો પરિપત્ર હોવા છતાં સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેની સામે અમારી લડાઈ આગળ પણ ચાલું રહેવાની છે.

સુરત જિલ્લાના ઓલપાડ મજૂરા અને 84 તાલુકામાં આવેલી સરકારી જમીન ઉપર છેલ્લા દસ વર્ષથી ઝીંગા માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવ ઉભા કરી દબાણો ઊભા કરવામાં આવ્યા છે. અવારનવાર સ્થાનિક ગામના સરપંચો તેમજ અન્ય આગેવાનો દ્વારા સુરત જિલ્લા કલેક્ટરને આ મામલે પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજી સુધી આ દબાણો સામે કોઈ નક્કર કાર્યવાહી અથવા પગલાં ભરવામાં આવ્યા નથી. રાજકીય આગેવાનોના મેળા પીપળા અને સાઠગાંઠમાં હપ્તાખોરી કરી આ દબાણ ઊભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ અને ખેડૂત અગ્રની દર્શન નાયક દ્વારા કરવામાં આવ્યા છે.

દર્શન નાયકે જણાવ્યું છે કે, ત્રણે તાલુકાઓમાં 18000 વીઘા જમીનમાં આ દબાણો ઉભા કર્યા છે. સુરત જિલ્લા કલેકટરને પણ તમામે પુરાવા સાથે રજૂઆત કરી કાર્યવાહી કરવા માટે માગ કરવામાં આવી છે. પરંતુ કલેક્ટર અને મામલતદાર ગેરકાયદેસર ઝીંગા તળાવો સામે કાર્યવાહી કરવામાં શા માટે વિલંબ કરી રહ્યા છે તે સવાલ ઊભા થઈ રહ્યા છે.

કલેક્ટર અને મામલતદારની કામગીરી સામે પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે. જ્યારે ચોમાસું નજીક છે ત્યારે માત્ર બતાવવા પૂરતી મામલતદાર દ્વારા ગામના તલાટીને નોટિસ પાઠવી ગેરકાયદેસર ઝીંગા તળાવ અને સરકારી જમીન ઉપર રહેલા કાયદેસરના ઝીંગા તળાવની માહિતી માગવામાં આવી છે. જો કે, પહેલાથી જ મામલતદાર પાસે આ ઝીંગા તળાવની માહિતી ઉપલબ્ધ હોવા છતાં પોતાની કામગીરીમાંથી છટકબારી શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સરકારી જમીન ઉપર ગેરકાયદેસર ઝીંગા તળાવના દબાણ દૂર કરવા માટે સરકારનો પરિપત્ર હોવા છતાં પણ કાર્યવાહી કરવામાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે. જેની સામેની લડાઈ અમારી આગળ પણ ચાલુ રહેશે.