October 16, 2024

ચંદી પડવા માટે સુરતીઓ તૈયાર, ઘારીના વેપારીઓએ કહ્યું – આ વર્ષે કિલોએ 60 રૂપિયાનો વધારો

અમિત રુપાપરા, સુરતઃ એક કહેવત છે કે ‘સુરતનું જમણ અને કાશીનું મરણ’. તે મુજબ સુરત ખાણી-પીણી માટે વખણાય છે. એવામાં સુરતનો તહેવાર ચંદી પડવોના દિવસે સુરતીઓ કરોડોની ઘારી ઝાપટી જશે. સુરતીઓનો ખાણી-પીણી સાથે સંકળાયેલો સ્પેશ્યિલ તહેવાર ચંદી પડવોના દિવસે ઘારી અને ભૂંસુ જેટલા પીરસાય તેટલા ઓછા પડે તેમ છે. છેલ્લા ત્રણ વર્ષના ઘારીના વેચાણના આંકડાની વાત કરીયે તો 100 ટનથી વધુ ઘારીનું વેચાણ રહેવા પામ્યું છે. ત્યારે વેપારીઓ દ્વારા છેલ્લા બે દિવસથી ઘારી બનાવવાની શરુ કરી દેવામાં આવી છે.

સુરત શહેરમાં આ વખતે ચંદી પડવાની ઉજવણી કરવા સૌ કોઈ સુરતીવાસીઓ આતુરતાપૂર્વકની વાટ જોઈ બેઠા છે. કોરોનાની મહામારીના છેલ્લા બે વર્ષ દરમિયાન સુરતીઓ ચંદી પડવાની સહપરિવાર જોડે જાહેરમાં ઉજવણી કરી શક્યા નહોતા. જો કે, આ વખતે સુરતીઓ દ્વારા ચંદી પડવાની ઉજવણી કરવા અંગેનું આયોજન કરી દેવામાં આવ્યું છે. જેમાં ઘારી-ભૂંસાની ડિમાન્ડના પગલે સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ઘારીનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે.

કેનેડા, અમેરિકા લંડન સહિત વિદેશી દેશોમાંથી પણ ઘારીની ડિમાન્ડ નીકળતા ઘારી વિક્રેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે. જો કે, ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 60 રૂપિયા સુધીનો વધારો પ્રતિ કિલોએ ઘારીના ભાવ પર કરવામાં આવ્યો છે. દૂધ, બેસન સહિતની ચીજવસ્તુઓ પર થયેલા ભાવવધારાના કારણે ઘારીના ભાવ પર પણ વધારો ઝીંકાયો છે.

છેલ્લા બે વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે આગામી ચંદી પડવાના પર્વને લઈ હમણાંથી જ સારી ઘરાકી નીકળી હોવાનો મત વેપારીઓ આપી રહ્યા છે. જેમાં અલગ અલગ ફ્લેવર્ડની ઘારીઓનોએ ઓર્ડરો પણ વિદેશ બહારથી ઓનલાઈન મળી રહ્યા છે. તેના પગલે સારા વેપારની આશા વેપારીઓએ આ વખતના ચંદી પડવા નિમિત્તે સેવી છે.