December 23, 2024

સુરતમાં વેપારીઓને છેતરતા બે ઠગબાજોની ધરપકડ, 5 લાખનો મુદ્દામાલ જપ્ત

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં અલગ અલગ ધંધા-વેપાર સાથે સંકળાયેલા વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવી માલ મગાવી લીધા બાદ રફુચક્કર થઈ જતા બે ઠગબાજોની રાંદેર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓના ઘરે તપાસ કરતા ડ્રાયફુટ, પ્લાયવુડ, તેમજ કાપડનો મોટો જથ્થો મળી આવ્યો છે. પોલીસ તપાસમાં હમણાં સુધી આ ઠગ ટોળકીનો ત્રણથી ચાર જેટલા વેપારીઓ ભોગ બન્યા છે. આ બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ રાંદેર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.

સુરતની રાંદેર પોલીસે એવા ઠગબાજની ધરપકડ કરી છે કે, જે વેપારીઓનો વિશ્વાસ અને ભરોસો કેળવી સૌપ્રથમ માલ મગાવતા અને ત્યારબાદ તે માલનો જથ્થો લઈ રફુચક્કર થઈ જતા હતા. રાંદેર પોલીસે આ મામલે એઝાઝ ગુલામ મેમણ અને મોહમ્મદ ફૈઝલ હબીબ ચાંદીવાળાની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ રોંગ સાઇડ વાહન ચલાવનારા 483 વાહનચાલકોના લાયસન્સ રદ થશે

પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આરોપીઓ રાંદેર વિસ્તારમાં મોપેડ ઉપર ડ્રાયફૂટ વેચવા માટે આવી રહ્યા છે, તે મુજબની માહિતી પોલીસને મળી હતી. જે માહિતીના આધારે બંને આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા તેઓના ઘરેથી ડ્રાયફુટનો જથ્થો, કાપડનો જથ્થો તેમજ પ્લાયવુડનો સામાન મળી આવ્યો હતો. પોલીસે 5,00,000થી વધુની મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ ભારેથી અતિભારે વરસાદની આગાહી, અઠવાડિયા સુધી સાર્વત્રિક પડશે

પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, બંને આરોપીઓ વેપારીને સંપર્ક કરતા હતા અને ત્યારબાદ સૂમસામ જગ્યાએ ટેમ્પોમાં માલ મગાવી પેમેન્ટ આપવાની ખાતરી આપી રફુચક્કર થઈ જતા હતા. આમ, આરોપીઓ દ્વારા સુરતના પુણા, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં અલગ અલગ ધંધા-વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ જોડે માલ મંગાવી છેતરપિંડી આચરવામાં આવી છે.