સુરતમાં બ્રેઇનડેડ મહિલાનું અંગદાન, 7 લોકોને નવજીવન મળ્યું

અમિત રુપાપરા, સુરતઃ અંગદાનને મહાદાન કહેવામાં આવે છે. અંગદાનમાં સુરત શહેર પણ મોખરે આવે છે. ત્યારે દેશમાં સૌપ્રથમ વખત સુરતમાં એક બ્રેનડેડ વ્યક્તિના 7 અંગોનું ટ્રાન્સપ્લાન્ટ એક જ જગ્યા પર અને એક જ દિવસે કરવામાં આવ્યું હતું. બ્રેનડેડ વ્યક્તિના અંગોના દાનના કારણે એકસાથે 7 વ્યક્તિઓને નવજીવન મળ્યું.
સુરત શહેરને દાનવીર કર્ણાની ભૂમિ કહેવામાં આવે છે. હવે અંગદાનની બાબતમાં પણ સુરત મોખરે આવી રહ્યું છે. ત્યારે દેશમાં સૌપ્રથમ વખત સુરતની કિરણ હોસ્પિટલમાં એક બ્રેનડેડ મહિલાના 7 અંગોનું ટ્રાન્સપ્લાન્ટ એક જ દિવસે અને એક જ જગ્યા પર કરવામાં આવ્યું છે.
23 એપ્રિલ 2025ના રોજ સુરતના 51 વર્ષીય પન્નાબેનને ડોક્ટર દ્વારા બ્રેનડેડ જાહેર કર્યા બાદ પન્નાબેનના પરિવારે તેમના અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટે મંજૂરી આપી અને પન્નાબેનના અંગોના દાન થકી 7 લોકોને નવજીવન મળ્યું છે. જેમાં ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ 34 વર્ષના પુરુષમાં કરવામાં આવ્યું છે, લીવરનું ટ્રાન્સપ્લાન્ટ મુંબઈના 42 વર્ષે પુરુષમાં કરવામાં આવ્યું, કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ 38 વર્ષીય મહિલામાં અને 57 વર્ષીય પુરુષમાં કરવામાં આવ્યું. હાથનું ટ્રાન્સપ્લાન્ટ 43 વર્ષે મહિલામાં કરવામાં આવ્યું અને આંખનું ટ્રાન્સપ્લાન્ટ હૈદરાબાદની 40 વર્ષીય મહિલા તેમજ 62 વર્ષીયમાં પુરુષમાં કરવામાં આવ્યું છે.
દેશમાં પ્રથમ વખત એક બ્રેનડેડ વ્યક્તિના અંગોથી એક જ હોસ્પિટલમાં એકસાથે સાત વ્યક્તિના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ થયા હોવાની પહેલી ઘટના સુરતના કિરણ હોસ્પિટલમાંથી સામે આવી છે. મહત્વની વાત છે કે, બ્રેનડેડ લોકોના અંગોના ટ્રાન્સપ્લાન્ટ અન્ય લોકોમાં થવાથી તેમને નવજીવન પ્રાપ્ત થાય છે. પરંતુ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરતી હોસ્પિટલની સંખ્યા દેશમાં ખૂબ ઓછી છે. ત્યારે સુરતમાં એકસાથે 7 પ્રકારના અંગોના ટ્રાન્સપ્લાન્ટ માટેની સુવિધા સુરતની કિરણ હોસ્પિટલમાં ઉપલબ્ધ હોવાના કારણે બ્રેનડેડ મહિલાના સાત અંગોનું ટ્રાન્સપ્લાન્ટ વ્યક્તિઓમાં થવાથી સાત લોકોને નવજીવન મળ્યું છે.