December 22, 2024

ભેસ્તાનમાં અસામાજિક તત્વોનો આતંક, બુટલેગરનો પોલીસકર્મીને કાર નીચે કચડવાનો પ્રયાસ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર ન હોય તે પ્રકારનો કિસ્સો ભેસ્તાન વિસ્તારમાં સામે આવ્યો હતો. ભેસ્તાન વિસ્તારમાં એક બુટલેગરે પોલીસ કર્મચારીને મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ સ્કોર્પિયો ગાડીથી પોલીસ વાનને ટક્કર મારી તે ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં હવે પોલીસે બુટલેગર યુસુફ ઉર્ફે ટેણીની ધરપકડ કરી છે.

ભેસ્તાન વિસ્તારમાં બુટલેગર યુસુફ દ્વારા ટ્રાફિક સર્કલ પર ઉભેલા ટ્રાફિક કોન્સ્ટેબલ પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, આ આરોપીએ 10 મિનિટ સુધી પોલીસ કર્મચારીની આસપાસ કાર ગોળ ગોળ ફેરવી હતી અને ત્યારબાદ પોલીસની પીસીઆર બોલેરો સાથે કાર અથડાવીને ભાગી ગયો હતો. આ સમગ્ર મામલે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આરોપી યુસુફ સામે ગુનો દાખલ થયો હતો અને પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

આરોપીની શોધખોળ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ભેસ્તાન રેલ્વે સ્ટેશન નજીક ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે રેલવે સ્ટેશન નજીકથી આરોપીની ધરપકડ કરી હતી. આરોપી પોલીસ પર હુમલો કર્યા બાદ ગાડી લઈને સેલવાસ તરફ ફરાર થઈ ગયો હતો. આ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા આરોપી જે ગાડીમાં ફરાર થયો હતો તે સ્કોર્પિયો પોલીસને દાદરા નગર હવેલી પાસેથી મળી આવી હતી. આરોપી ભાગ્યો હતો ત્યારે તેની પાસે ડીઝલ પુરાવવાના પૈસા ન હતા અને એટલા માટે જ તે ગાડી મૂકીને ભાગ્યો હતો. પૈસા તેમજ કપડાં લેવા માટે ટ્રેન મારફતે સુરત આવી રહ્યો હતો અને આ બાતમી પોલીસને મળતા ભેસ્તાન રેલવે સ્ટેશનથી આરોપીને ઝડપી પાડ્યો છે.

બુટલેગર યુસુફ પોલીસ કર્મચારીને મારી નાંખવા સુધીની વાત કરતો હતો. તે પોલીસના હાથે ઝડપાયા બાદ પોલીસે યુસુફને બરાબરનો પાઠ ભણાવ્યો હતો અને આ જ યુસુફ પોલીસ કસ્ટડીમાં સરખો ઉભો પણ રહી ન શકતા પોલીસ સામે બેસવા માટે આજીજી કરતો જોવા મળ્યો હતો. એટલે ધરપકડ બાદ આ બુટલેગરની બધી હેકડી પોલીસે કાઢી નાંખી હતી.

આ સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો આ યુસુફ પોતાના વિસ્તારમાં અવારનવાર દાદાગીરી કરતો જોવા મળે છે. નાની મોટી બાબતોમાં મારામારી કરી આરોપી માટે ખૂબ જ સામાન્ય બની ગયું છે. જે તે સમયે આરોપીએ પોલીસ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે આ યુસુફે સૌપ્રથમ કોન્સ્ટેબલને અપશબ્દો કહ્યા હતા. આ ઉપરાંત કોન્સ્ટેબલનો પટ્ટો પકડીને તેની સાથે ધક્કા મૂકી કરી હતી અને ત્યારબાદ કોન્સ્ટેબલ દ્વારા અન્ય પોલીસકર્મીને ફોન કરીને બોલાવવામાં આવતા પોલીસની પીસીઆર વાન સાથે જ પોતાની કાર અથડાવી આરોપી ભાગી ગયો હતો.