November 23, 2024

ખોટા આધારકાર્ડ-પાનકાર્ડથી ખાતા ખોલાવી કરોડોનું ટ્રાન્ઝેક્શન, બેંક મેનેજર સહિત 6ની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ ખોટા આધારકાર્ડ તેમજ પાનકાર્ડના આધારે બેંકમાં ખોટા એકાઉન્ટ ખોલાવી તેમાં ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન કરનારા આરબીએલ બેંકના બ્રાન્ચ મેનેજર તેમજ બેંકના કર્મચારી સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ અઠવાલાઈન્સ પોલીસ દ્વારા કરવામાં આવી છે.

2 ઓગસ્ટ 2024ના રોજ સુરતના ભેંસાણમાં રહેતા કુરુષ પટેલ નામના વ્યક્તિની ફરિયાદના આધારે અઠવાલાઇન્સ પોલીસ દ્વારા ઝાકીર નકવી અને મુકેશ મેંદપરા નામના બે ઈસમની ધરપકડ કરી હતી. આ બંને ઈસમની ધરપકડ બાદ પોલીસે વધુ ત્રણ ઈસમોની ધરપકડ કરી છે. જેમાં એક મહિલા ઉપરાંત rbl બેંકનો મેનેજર તેમજ એક બેંકના કર્મચારીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ ટેક્સટાઇલ માર્કેટમાં છેતરપિંડી કરનારા માસ્ટર માઇન્ડની ધરપકડ, ઉઠામણું કરાવવામાં હતો એક્સપર્ટ! 

કુરુષ પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ઝાકીર નકવી અને મુકેશ મેંદપરા ઉપરાંત અન્ય બે ઈસમોઓએ સાથે મળીને કુરુષ પટેલના આધારકાર્ડ તેમજ પાનકાર્ડમાં છેડછાડ કરી ખોટા આધાર કાર્ડ અને પાનકાર્ડ બનાવ્યા હતા. ફરિયાદીની ભેંસાણમાં આવેલી અલગ અલગ જમીનો બારોબાર વેચવાનું કાવતરું કર્યું હતું. આ જમીનનો કરોડો રૂપિયામાં સોદો કરી ખરીદનાર પાસેથી 3,41,51,000 રૂપિયા મેળવી લીધા હતા અને જમીનના ખોટા દસ્તાવેજ બનાવી તેમાં ખોટી સહી કરી ખોટા પુરાવાના આધારે તેઓ દસ્તાવેજ કરવા માટે હજીરા સબ રજીસ્ટાર કચેરી નાનપુરા ખાતે પહોંચ્યા હતા. જો કે આ બાબતે કુરુષ પટેલને જાણ થતા તેમણે તાત્કાલિક જ સમગ્ર મામલે અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઝાકીર અને મુકેશની ધરપકડ કરી હતી.’

પોલીસે આ સમગ્ર મામલે ઝાકીર નકવી, મુકેશ મેંદપરા, પિયુષ શાહ અને અકબર મિયાં નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરી હતી. આ સમગ્ર મામલે ઝાકીર નકવી અને મુકેશ મેંદપરાની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપીઓ દ્વારા આ સમગ્ર મામલે અસ્મિતા શાહ નામની મહિલાની પણ મદદ લેવામાં આવી હતી. તેથી આ મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત વેસુ બ્રાન્ચના rbl બેંકના મેનેજર હિતેશ પાટવાલા અને icici બેંકમાં કોર્પોરેટ સેલેરી ટીમના કર્મચારી કિરણકુમાર સોનારની પણ ધરપકડ કરી છે.

બેંક મેનેજર અને બેંકના કર્મચારીએ ખોટા આધારકાડ તેમજ પાનકાર્ડના આધારે બોગસ બેન્ક એકાઉન્ટ ખોલી આપ્યું હતું. આ બેંક એકાઉન્ટમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શનન થયા હતા. તો બીજી તરફ, આરોપી કિરણ સોનાર સામે અગાઉ સલાબદપુરા પોલીસ સ્ટેશનમાં પણ આઈપીસીની કલમ 409 અને 114 મુજબ ગુનો દાખલ થયો છે. આ ઉપરાંત અઠવાલાઇન્સ પોલીસ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, કોઈપણ વ્યક્તિ જોવા ડોક્યુમેન્ટના આધારે કોઈ ઘટનાનો શિકાર બન્યા હોય તો તાત્કાલિક અઠવાલાઈન્સ પોલીસનો સંપર્ક કરે.