સુરતમાં ભાઠેનામાંથી MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ, અન્ય એક વોન્ટેડ

અમિત રુપાપરા, સુરતઃ પોલીસ દ્વારા ડ્રગ્સની બદી સામે ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન અંતર્ગત સુરત પોલીસને વધુ એક સફળતા મળી છે. સુરતની સલાબતપુરા પોલીસે ભાઠેના વિસ્તારમાંથી 74 હજારની કિંમતના એમડી ડ્રગ્સ સાથે આરોપીને ઝડપી પાડ્યો છે. જ્યારે ડ્રગ્સ કેસમાં આરોપીના પુત્રને વોન્ટેડ જાહેર કરાયો છે. બંને પિતા પુત્રની ડ્રગ્સના રેકેટમાં સંડોવણી સામે આવી હતી. જે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવવામાં આવ્યો હતો તે ખુલાસો આરોપીના પુત્રની ધરપકડ બાદ બહાર આવશે. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ પણ શહેરના અલગ અલગ પોલીસ ચોપડે ચાર જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. જ્યારે આ ગુન્હામાં આરોપીના પુત્રને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ સલાબતપુરા પોલીસે હાથ ધરી છે.

ડાયમંડ સિટી સુરત જાણે ડ્રગ્સના પેડલરો માટે મુખ્ય કેન્દ્રબિંદુ બની ગયું હોય તેમ એકબાદ એક ડ્રગ્સના કારોબાર સાથે જોડાયેલા આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી રહી છે. એમડી ડ્રગ્સના કાળા કારોબાર સાથે જોડાયેલા આરોપીઓને ઝડપી પાડવા શહેર પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે. જે અભિયાન અંતર્ગત નશાનો કારોબાર કરતા તત્વોને ઝડપી પાડવામાં શહેર પોલીસને એકબાદ એક સફળતાઓ પણ મળી રહી છે. આવી જ એક વધુ એક સફળતા સુરતની સલાબતપુરા પોલીસને મળી છે.

સલાબતપુરા પોલીસને માહિતી મળી હતી કે, ભાઠેના વિસ્તારમાં રહેતા ખલીલ લુકમાન શેખ અને તેનો પુત્ર તોસીફ શેખ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે. જે માહિતીના આધારે સલાબતપુરા ભાઠેના વિસ્તારમાં આરોપીના ત્યાં છાપો મારી રૂપિયા 74 હજારની કિંમતના એમડી ડ્રગ્સ સાથે આરોપી ખલીલ લુકમાન શેખને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 7.400 મિલિગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો, મોબાઈલ, રોકડા રૂપિયા સહિત 80900નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યાં આરોપીની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

પોલીસ પૂછપરછમાં આરોપી ખલીલ શેખ દ્વારા જણાવવામાં આવ્યું કે, ડ્રગ્સનો જથ્થો તેનો પુત્ર તોસીફ લાવ્યો હતો. જે જથ્થો તે ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો તેની કોઈ જાણકારી તેની પાસે હાલ નથી. આરોપીએ કરેલી કબૂલાતના પગલે સલાબતપુરા પોલીસે તેના પુત્ર તોસીફને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે હાલ ઝડપાયેલા આરોપીના ગુનાહિત ઇતિહાસ અંગેની પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જે તપાસમાં જાણવા મળ્યું કે આરોપી ખલીલ શેખ સામે અગાઉ પણ શહેરના વેસુમાં એક અને સલાબતપુરા પોલીસ મથકમાં ત્રણ જેટલા NDPC એક્ટ હેઠળ સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગુનામાં પણ તેની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે. આ મામલે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.