બારડોલીમાંથી લાખોનો ચરસ-ગાંજો જપ્ત, બે આરોપીની ધરપકડ

સુરતઃ ગુજરાતમાંથી અવારનવાર મોટા પ્રમાણમાં માદક પદાર્થો ઝડપાતા હોય છે. ત્યારે વધુ એકવાર સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ચરસ અને ગાંજાનો જથ્થો ઝડપાયો છે. ત્યારે પોલીસે આ મામલે બે આરોપીની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, સુરત SOG પોલીસે બારડોલીના બાબેન વિસ્તારમાંથી માદક પદાર્થો સાથે બે લોકોને ઝડપી પાડ્યા છે. ચરસનો 220 ગ્રામ 380 મિલી ગ્રામ જથ્થો અને હાઇબ્રિડ ગાંજો 9 ગ્રામ 380 મિલિગ્રામ જથ્થો ઝડપાયો છે.
પોલીસે આ મામલે આરોપી હિરેન ઉર્ફે કાલુ રાઠોડ તેમજ કરણ નાયકાની ધરપકડ કરી છે. બંને આરોપી બારડોલી વિસ્તારના રહેવાસી છે. આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, ચરસ, ગાંજાનો જથ્થો તેમના ચીખલી રહેતા મિત્ર મોન્ટુ તેમજ કામરેજના નીલ પરમાર પાસેથી લાવ્યા હતા.
પોલીસે મોન્ટુ અને નીલ પરમારને વોન્ટેડ જાહેર કર્યા છે. આ ઉપરાંત બંને આરોપી પાસેથી પોલીસે ચરસ, ગાંજા સહિત 1.30 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.