January 26, 2025

સુરત પોલીસને વધુ એકવાર ચોરોનો ખુલ્લો પડકાર, પોસ્ટ ઓફિસમાંથી હજારો રૂપિયા ગાયબ કર્યા

સુરતઃ જિલ્લામાં તસ્કરોનો આતંક યથાવત છે. મંદિર અને બેંક બાદ હવે પોસ્ટ ઓફિસને નિશાન બનાવી છે. બારડોલીના મઢી ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરોએ ચોરી કરી છે. તિજોરીમાં ડ્રિલિંગ મશીનથી કાણું પાડી 45 હજારની રોકડ રકમ ચોરી છે.

સુરત જિલ્લામાં તસ્કરો પોલીસને એકબાદ એક પડકાર ફેંકી રહ્યા છે. પહેલાં ઓલપાડ તાલુકાના સીયાદલા ગામે આવેલા એક મંદિરને નિશાન બનાવ્યું હતું. ત્યારબાદ કીમ ચાર રસ્તા ખાતે આવેલી યુનિયન બેંકમાં ગ્રાહકોના લોકર તોડી એક કરોડથી વધુની ચોરી કરી હતી અને હવે પોસ્ટ ઓફિસને નિશાન બનાવી છે. બારડોલી તાલુકાના મઢી ગામે આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા હતા. પોસ્ટ ઓફિસના પાછળના ભાગે આવેલા દરવાજાને તોડી તસ્કરો પોસ્ટ ઓફિસમાં પ્રવેશ્યા હતા. ત્યારબાદ સરકારી તિજોરીને ડ્રિલિંગ મશીન વડે ડ્રિલ કરી તિજોરી ખોલી હતી અને અંદર મૂકેલા 45 હજારથી વધુની રકમ લઈ ફરાર થઈ ગયા હતા.

કીમ ચાર રસ્તા ખાતે થયેલી ચોરીનો ભેદ હજુ ઉકેલાયો નથી. ત્યારે જિલ્લા પોલીસની 11 જેટલી ટીમ ચોરને પકડવા માટે કામે લાગી છે. ત્યારે પોસ્ટ ઓફિસમાં થયેલી વધુ એક ચોરીએ પોલીસની ઉંઘ ઉડાડી દીધી છે. હાલ તો બારડોલી પોલીસે પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્તરની ફરિયાદ લીધી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.