December 4, 2024

સુરતના અટોદરા-નાની નરોલી ગામેથી પકડાયો 740 કિલો ગાંજો, 3 આરોપી વોન્ટેડ

સુરતઃ ડ્રગ્સના સોદાગરો પર ઓલપાડ પોલીસે સખત કાર્યવાહી કરી છે. અટોદરા અને માંગરોળના નાની નરોલી ગામેથી મોટા પ્રમાણમાં ગાંજો ઝડપાયો છે. અટોદરા ગામે ગાંજો ઝડપાયા બાદ વધુ તપાસમાં અન્ય ગામેથી પણ ગાંજો ઝડપી પાડ્યો છે. આ સાથે બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે.

ઓલપાડ પોલીસે 740 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. તેની બજાર કિંમત અંદાજે રૂપિયા 74.03 લાખ થાય છે. હાલ પોલીસે આ તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે એક મહિલા સહિત 3 આરોપીને ઝડપી લીધા છે.

આ ગાંજો ઓરિસ્સાના ગંજામથી કન્ટેનરમાં ભરીને મંગાવવામાં આવ્યો હતો. ત્યારે ગાંજો મોકલનારા સહિત અન્ય 3 વ્યક્તિને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે અને આ સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે.