December 28, 2024

સુરતમાં લગ્નેત્તર સંબંધમાં હત્યા, પોલીસે બે આરોપીની ધરપકડ કરી

અમિત રુપાપરા, સુરતઃ શહેરના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી હતી. આ ઘટનાના ગણતરીના કલાકોમાં જ પોલીસ દ્વારા યુવકની હત્યા કરનારાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, જે હત્યાની ઘટના બની હતી તે લગ્નોત્તર સંબંધના કારણે બની હતી. મૃતક દીપેશના એક પરિણીત મહિલા સાથે આડાસંબંધ હતા અને આ વાતની જાણ મહિલાના પતિને થતા મહિલાના પતિ અને તેના મોટાભાઈએ સાથે મળીને પ્રેમી દિપેશની હત્યા કરી હતી. આ સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા કુબેરદાસની વાડી રૂદરપુરા પાસે 19 વર્ષીય દીપેશ રાઠોડ નામનો યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. દીપેશને કુબેરદાસની વાડી ખાતે રહેતી એક મહિલા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. આ મહિલા પરિણીત હતી. દિપેશ સાથે પ્રેમસંબંધ હોવાની જાણ મહિલાના પતિને થઈ હતી. તેથી મહિલાના પતિ હર્ષદ અને તેના મોટાભાઈ ધર્મેશે સાથે મળીને 1 જુલાઈના રોજ દીપેશને કુબેરદાસની વાડી પાસે મળવા બોલાવ્યો હતો અને ત્યારબાદ રાત્રે પોણા બાર વાગ્યે આસપાસ દીપેશને ઢીકામૂકીનો મારમારી ઇજાગ્રસ્ત કર્યો હતો.

આ પણ વાંચોઃ હરણી બોટકાંડના તપાસ રિપોર્ટમાં હાઇકોર્ટની ફટકાર, કહ્યુ – સ્ટોરી જેવો રિપોર્ટ છે!

આ ઘટના બાદ દિપેશ રાઠોડ તેના ઘરે જઈને સૂઈ ગયો હતો અને ત્યારબાદ બીજા દિવસે ન ઉઠતા તેને હોસ્પિટલ લઈ જવાતા દીપેશનું મોત થયું હોવાનું સામે આવ્યું હતું. તો આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયો હતો. પોલીસે ગુનો દાખલ થયાના ગણતરીના કલાકોમાં જ હર્ષદ કહાર અને તેના મોટાભાઈ ધર્મેશ કહારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.