સુરતના અઠવાલાઇન્સમાં ગણપતિની 10 પ્રતિમા ખંડિત કરવા મામલે બે મહિલાની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ગણેશ ઉત્સવ પહેલાં જ અશાંતિ ફેલાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ કે, ગણેશ મહોત્સવ પહેલા જ સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં શ્રીજીની 10 પ્રતિમાને ખંડિત કરવાનો કિસ્સો સામે આવ્યો હતો. આ ઘટનામાં અઠવાલાઇન્સ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને હવે આ સમગ્ર મામલે બે મહિલાની ધરપકડ કરવામાં આવી છે.
17 ઓગસ્ટ 2024ના રોજ સૈયદપુરા વિસ્તારમાં સોની ફળિયા શ્વેતા એપાર્ટમેન્ટમાં ગણપતિની મૂર્તિની દુકાનમાં બાળકો દ્વારા 10 જેટલી ગણેશજીની પ્રતિમા ખંડિત કરવામાં આવી હતી. બે મહિલા લાઈલા સલીમ શેખ અને રૂબીના ઈરફાન પઠાણ બે બાળકોને દુકાનમાં લાવી હતી અને ત્યારબાદ આ બંને બાળકો દ્વારા ગણેશજીની પ્રતિમાને ખંડિત કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે દુકાનદાર વિશાલ ખલાસિના ભાઈ રાહુલ ખલાસી દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આપવામાં આવી હતી. શ્રીજીની દ્રષ્ટિમાં ખંડિત થતા 60,000 જેટલું નુકસાન થયું હોવાનું તેમજ ગણેશજીની પ્રતિમા ખંડિત થતા ધાર્મિક લાગણી દુભાઈ હોવા બાબતે આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે અઠવાલાઇન્સ પોલીસ દ્વારા BNSની કલમ 299, 324 (4), 29 (4) અને 54 મુજબ ગુનો દાખલ કર્યો હતો. આ સમગ્ર મામલે રૂબીના પઠાણ અને લાઈલા સલીમ શેખની ધરપકડ કરવામાં આવી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, આ બંને મહિલા ફૂટપાથ પર રહે છે અને ભિક્ષાવૃત્તિ કરવાનું કામ કરે છે.
મહત્વની વાત છે કે, 17 ઓગસ્ટે જે ઘટના હતી તે સમયે ફરિયાદીએ એવું વિચાર્યું હતું કે, કદાચ બાળકોએ ભૂલ વશ આ કામ કર્યું હશે. પરંતુ સૈયદપુરામાં 8 સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ગણેશ પંડાલમાં નાના બાળકોએ ગણેશજીની પ્રતિમા પર પથ્થર ફેંકી પ્રતિમાને ખંડિત કરવાનો જે પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ જે ઘટના બની હતી તે ઘટના ખૂબ ગંભીર હતી. આ ઘટનાને જોઈને ફરિયાદી રાહુલ ખલાસી દ્વારા અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે તાત્કાલિક ગુનો નોંધી બે મહિલાની ધરપકડ કરી હતી.