APMCની જગ્યાએ ફાઇવ સ્ટાર હોટેલ! હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં એપીએમસી માર્કેટની જગ્યાએ ફાઇવ સ્ટાર હોટલ બાંધવામાં આવી હતી. આ જ બાબતે હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ હતી. ત્યારે હાઇકોર્ટ દ્વારા એપીએમસીના સત્તાધીશો સામે લાલ આંખ કરવામાં આવી છે. હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલની ખંડપીઠ દ્વારા નિર્ણય સંભળાવવામાં આવ્યો છે કે, એપીએમસીએ હોટલની હરાજી કરવી પડશે અને તેમાંથી જે રકમ ઉપજશે તેને માર્કેટ યાર્ડના ફંડમાં જમા કરાવવી પડશે અને સરકારને એપીએમસીના સત્તાધીશો સામે પગલાં પણ ભરવા પડશે.
સુરત માર્કેટ યાર્ડની જમીન પર જે ફાઇવ સ્ટાર હોટલ બનાવવામાં આવી હતી. આ મામલે હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી થઈ હતી. જેમાં રજૂઆત થઈ હતી કે, એપીએમસીની 20,000 ચોરસ મીટરની જમીન પર 90 કરોડના ખર્ચે એક હોટલ બનાવી દેવામાં આવી છે. આ જમીનનો ઉપયોગ ખેડૂતોના હિત માટે કરવાનો હતો. પરંતુ આ ઉમદા હેતુને નષ્ટ કરી દેવામાં આવ્યો છે. જો કે, આ સમગ્ર મામલે હવે હાઇકોર્ટ દ્વારા માર્કેટિંગ એન્ડ રૂરલ ફાઇનાન્સ ડાયરેક્ટરને તપાસ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. તપાસ કરવામાં આવશે કે, ફાઇવ સ્ટાર હોટલ બનાવીને એપીએમસીના હોદ્દેદારો દ્વારા કેટલો નફો મેળવવામાં આવ્યો છે અને મોલમાં જે દુકાનો છે તેમાંથી કેટલી દુકાનોમાં એપીએમસીના સત્તાધીશોની ભાગીદારી છે.
આ પણ વાંચોઃ RTEમાં એડમિશન લેવા ધસારો, 8 હજાર સીટ સામે 33 હજારથી વધુ રજિસ્ટ્રેશન
તો હાઇકોર્ટ દ્વારા આ હોટલની હરાજીની પ્રક્રિયા કરવાનો પણ સરકારને આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ એવી પણ ટકોર કરી છે કે, એપીએમસીના સત્તાધીશોએ પૂરેપૂરી રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવી પડશે. મહત્વની વાત છે કે, માર્કેટ યાર્ડની જમીન પર એપીએમસીના સત્તાધીશોએ જે ફાઇવ સ્ટાર હોટલ ખડકી છે તેની અગાઉ કોઈપણ પ્રકારની મંજૂરી લેવાઈ નથી અને ખેડૂતોના લાભાર્થે જે જમીન ફાળવવામાં આવી હતી. તેના પર જ કબજો કરીને આ હોટલ ખડકી દેવામાં આવી છે. હાલ જે ફાઇવ સ્ટાર હોટલ એપીએમસીની જગ્યાએ બની છે તેનું સંચાલન શિલ્પીઝ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવે છે.