December 23, 2024

સુરતમાં યુવતીની છેડતી બાદ વિધર્મીઓએ ઘરમાં તોડફોડ કરી, ચપ્પુ-તલવારથી હુમલો; 4ની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં યુવતીની છેડતી બાદ કેટલાક મુસ્લિમ યુવકો દ્વારા યુવતીના ઘરમાં તોડફોડ કરવામાં આવી અને ત્યારબાદ યુવતીની મદદથી આવેલા યુવકો પર પણ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને અમરોલી પોલીસ દ્વારા તાત્કાલિક ચાર ઈસમોની ધરપકડ કરી છે. આ બાબતે હત્યાના પ્રયાસ તેમજ એટ્રોસિટીની કલમ હેઠળ ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે.

સુરતના છાપરાભાઠા રોડ પર મધુવન સોસાયટીમાં રહેતી એક મહિલાની ઇરફાન શેખ નામના યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી. છેડતીની ઘટના બાદ થયેલા ઝઘડામાં ઈરફાન દ્વારા મહિલાના ઘરની બારી પણ તોડી નાખવામાં આવી હતી. આ ઘટનામાં પહેલા વિશાલ દેવમોરારી નામના યુવકે મધ્યસ્થી કરીને સમાધાન કરાવ્યું હતું, પરંતુ સમાધાન બાદ વિશાલ દેવમોરારી પર મધુવન સોસાયટીમાં જ રહેતા યુનુસ, સિકંદર, ઇમરાન, ઇરફાન, ઇસ્લામ અને ઉસ્માન સહિતના લોકોએ મોડી સાંજે તલવાર અને ચપ્પુ જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. તો બીજી તરફ આ ઘટનામાં વિશાલને બચાવવા વચ્ચે પડેલા તેના મિત્રોને પણ ગંભીર ઈજા થઈ હતી.

આ ઘટનાની વાત કરીએ તો યુનુસ, સિકંદર, ઇમરાન, ઇરફાન, ઇસ્લામ અને ઉસ્માન નામના ઇસમો તલવાર લઈને વિશાલ પર હુમલો કરતા હતા. તે સમયે વિશાલના ડાબા હાથના કાંડા પર તલવારનો ઘા લાગતા ગંભીર ઇજા થઈ હતી. તો બીજી તરફ હુમલામાં મયુર સોલંકી નામના યુવકને ચપ્પુનો ઘા લાગતા તે પણ ઇજાગ્રત થયો હતો. બચાવવા પડેલા હાર્દિક નામના યુવકને પણ પેટ અને પેટના ભાગે ચપ્પુના ઘા આ ઇસમો દ્વારા મારવામાં આવ્યા હતા. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રત થયેલા તમામને તાત્કાલિક અસરથી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને આ ઘટનાને લઈને મયુર સોલંકીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને અમરોલી પોલીસે યુનુસ શેખ, સિકંદર શેખ, ઇમરાન શેખ, ઇરફાન ઉર્ફે પીન્ટુ શેખ ઇસ્લામ શેખ અને ઉસ્માન સહિતના લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ બાબતે પોલીસે તાત્કાલિક અસરથી ચારની ધરપકડ કરી છે. તો બીજી તરફ યુનુસ શેખ અને સિકંદર શેખ પોલીસથી બચવામાં સફળ રહ્યા છે. આ હુમલાની ઘટનામાં ઝડપાયેલા તમામ ઈસમો ગુનાખોરી સાથે જોડાયેલા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો આ તમામ ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 111, હત્યાના પ્રયાસ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ આ બાબતે તપાસ SC/ST સેલના એસીપી દ્વારા કરવામાં આવી રહી છે.