સુરતી પરિવારનો સામુહિક આપઘાત, આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા ગટગટાવી

અમિત રુપાપરા, સુરતઃ શહેરના અમરોલી વિસ્તારમાં એન્ટિલિયા ફ્લેટમાં ભરતભાઈ શશાંગીયા પરિવાર સાથે રહેતા હતા. ભરતભાઈની સાથે તેમનો દીકરો હર્ષ અને પત્ની વનિતાબેન રહેતા હતા. ભરતભાઈ અને તેનો દીકરો હર્ષ બંને હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. વર્ષોથી હીરા ઉદ્યોગ સાથે જોડાઈને પરિવારનો ગુજરાન ચલાવતા હતા. પરંતુ હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ભરતભાઈ ડાયમંડ ઉદ્યોગ છોડીને સિક્યોરિટી ગાર્ડની નોકરી પસંદ કરી હતી. બીજી તરફ તેમના દીકરા હર્ષ દ્વારા પણ ડાયમંડની નોકરી છોડી દેવામાં આવી હતી અને ખાનગી બેંકના લોન ડિપાર્ટમેન્ટમાં તે કામ કરી રહ્યો હતો.
ભરતભાઈનો પરિવાર છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકળામણમાં હતો. કારણ કે, હીરા ઉદ્યોગમાં મંદિર હોવાના કારણે પરિવારના સભ્યો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ભરતભાઈ જે મકાનમાં રહેતા હતા તે મકાન બેંકમાંથી લોન લઈને ખરીદવામાં આવ્યું હતું અને હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે ભરતભાઈની આર્થિક પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, તે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ સમયસર ભરી શકતા ન હતા. એટલા માટે બેંક દ્વારા પણ હપ્તા ભરવા માટે ભરતભાઈ અને તેના પરિવાર પર દબાણ કરવામાં આવતું હતું.
આર્થિક સંકણામણમાં મુકાયેલા ભરતભાઈ દ્વારા લોન પર રહેલો ફ્લેટ કોઈને વેચી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતું. હિતેશ નામનો વ્યક્તિ ભરતભાઈનું મકાન લેવા માટે તૈયાર થયો હતો અને હિતેશ દ્વારા ભરતભાઈના પરિવારના સભ્યોને મકાન માટે ટોકન સ્વરૂપે એક લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ કોઈ કારણોસર હિતેશ દ્વારા મકાન ખરીદવાનું ટાળવામાં આવ્યું હતું અને ટોકનના રૂપિયા પરત માગવામાં આવ્યા હતા. હિતેશ દ્વારા ટોકનના રૂપિયા પરત લેવા માટે ભરતભાઈ અને તેના પરિવાર પર દબાણ કરવામાં આવતું હતું. તેમના ઘરમાં ઘૂસીને માર મારવાની ધમકી પણ આપવામાં આવતી હતી. તેથી આર્થિક સંકળામણમાં મુકાયેલા ભરતભાઈ અને તેના પરિવારના સભ્યો દ્વારા 7 માર્ચના રોજ રાત્રે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો.
આપઘાત કરતા પહેલાં પરિવારના સભ્યો દ્વારા સુસાઇડ નોટ લખવામાં આવી હતી. તેમાં પણ મકાન ખરીદનારા વ્યક્તિ દ્વારા પૈસા માટે દબાણ કરવામાં આવતું હોવાનો ઉલ્લેખ કરાયો છે. આ વ્યક્તિના દબાણના કારણે પરિવારના સભ્યોએ આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભરતભાઈ અને તેના પરિવારના સભ્યો દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાની જાણ થતા સગા સંબંધીઓ દ્વારા તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે ત્રણેયને મૃત જાહેર કર્યા હતા
આ સમગ્ર ઘટનાને લઈને અમરોલી પોલીસ દ્વારા ત્રણ મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલે ખસેડી સમગ્ર મામલે સુસાઇડ નોટના આધારે તપાસ હાથ ધરી છે. તો બીજી તરફ ભરતભાઈના પરિવારની પરિસ્થિતિ બાબતે તેમના જ સંબંધીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભરતભાઈ છેલ્લા ઘણા સમયથી આર્થિક મુશ્કેલીમાંથી પસાર થતા હતા. ભરતભાઈને પિતાશયની તકલીફ હતી અને તેમને સારવાર પણ કરાવવાની હતી અને એટલા માટે તેઓ સગા સંબંધીઓ પાસેથી સારવાર માટે પૈસા પણ માગતા હતા. બીજી તરફ હીરા ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે પરિવારના સભ્યો પર વધારે મુશ્કેલી આવી પડી. અંતે તેમને આર્થિક સંકળામણમાં અને કેટલાક લોકોને પૈસા આપવાના દબાણમાં આ અંતિમ પગલું ભર્યું છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ.