December 19, 2024

સુરત ACBએ ટ્રાફિક ASI વિજય ચૌધરીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પડ્યો

સુરત: સુરતમાં ACBને વધુ એક લાંચિયા પોલીસ કર્મચારીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરત એન્ટીકરપ્શન બ્યુરો (ACB)એ ટ્રાફિક ASI વિજય ચૌધરી અને તેના વચેટિયા સંજય પાટીલને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. ટેમ્પા એસોસિએશન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે ટ્રાફિક ASI વિજય ચૌધરી દ્વારા ટેમ્પા 1000 રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે. જેને પગલે ACB એ છટકું ગોઠવીને ટ્રાફિક ASIને લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, ટ્રાફિક ASI વિજય ચૌધરી દ્વારા આ બાબતે 1,00,000 રૂપિયા 100 ટેમ્પો પેટે એક મહિનાના માંગવામાં આવ્યા હતા. પૈસા આપવા માટે ટ્રાફિક ASIએ લોકોને ઉદ્યોગ નગર ઉધના ખાતે બોલાવવામાં આવ્યા હતા. જોકે, આ પહેલા જ એન્ટી કરપ્શન બ્યુરોએ ફરિયાદના આધારે ઘટનાસ્થળે છટકું ગોઠવ્યું હતું. વચેટિયા સંજય પાટિલે લાંચ સ્વીકારી હતી અને લાંચના પૈસા મેળવી લીધા હોવા બાબતે ASI વિજય ચૌધરીને ફોન કરી જાણ કરી હતી.

ત્યારબાદ, એન્ટીકરપ્શન બ્યુરોએ સંજય પાટિલ અને ASI વિજય ચૌધરીની ધરપકડ કરી લીધી હતી. ઉલ્લેખનીય છે કે, ASI વિજય ચૌધરી છેલ્લા 7 વર્ષથી સુરત શહેર ટ્રાફિક વિભાગમાં કામ કરી રહ્યો છે અને 5 વર્ષથી રિજીયન બેમાં નોકરી કરે છે.