December 30, 2024

સુરતના અબ્રામા ગામે મંદિરની જગ્યાનો વિવાદ, સ્થાનિકોનો પૂજારી પર ગંભીર આક્ષેપ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના અબ્રામામાં આવેલા પૌરાણિક મંદિરની જગ્યાને લઈ મોટો વિવાદ ઉભો થયો છે. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ઉધોગપતિ વલ્લભ સવાણી અને મંદિરના પૂજારીના મેળાપીપળામાં જમીનનો સોદો કરી નાખવામાં આવ્યો છે. જે જમીન પરત મેળવવા સ્થાનિક વિસ્તારના લોકો છેલ્લા દોઢ વર્ષથી આ બાબતે તંત્ર સામે લડત ચલાવી રહ્યા છે.

સુરતના અબ્રામામાં આવેલા અંબરીશેશ્વર મહાદેવ મંદિરની જગ્યાને લઈ વિવાદ સામે આવ્યો છે. મંદિરની જગ્યાનો પૂજારી અને બિલ્ડર દ્વારા એકબીજાના મેળાપીપળામાં સોદો કરી નાંખવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જે જમીનનો કબ્જો મેળવવા સ્થાનિક લોકો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષથી સ્થાનિક ગામના લોકો આ મંદિરની જમીન બચાવવા માટે સતત તંત્ર સામે લડત ચલાવી રહ્યા છે.

અબ્રામા ગામના લોકો દ્વારા 2017માં આ મંદિરનું બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને 2019માં આ મંદિરનું બાંધકામ પૂર્ણ થયું હતું. મહત્વની વાત છે કે, 3 કરોડ જેટલા રૂપિયાના ખર્ચે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. છતાં પણ મંદિરના પૂજારી ભીરેનકુમાર ગિરજાશંકર વૈદ્ય દ્વારા આ મંદિર જર્જરીત હોવાનું દર્શાવી મંદિરમાં આવતા લોકોના જીવનું જોખમ હોવાનું કહીને ચેરિટી કમિશનર સમક્ષ ખોટા પુરાવા રજૂ કરીને ખોટા હુકમો મેળવી કરવાનું ખોટી રીતે જમીનનું વેચાણ સુરતના નામાંકિત ઉદ્યોગપતિ વલ્લભ સવાણી તેમજ મિતુલ મહેશભાઈ સવાણીને કરવામાં આવ્યું છે.

પૂજારી દ્વારા મંદિરની આ જમીનનું વેચાણ ઉદ્યોગપતિને ગામ લોકોની જાણ બહાર 9.50 કરોડ રૂપિયામાં કર્યું હોવાનું સામે આવ્યું છે. પરંતુ મંદિરની જગ્યાની વેલ્યુએશન ગણવામાં આવે તો 40થી 42 કરોડ છે. મહત્વની વાત છે કે, અબ્રામા રોડ નજીક જ તાજેતરમાં સુરત મહાનગરપાલિકા દ્વારા રિંગ રોડ તૈયાર કરવામાં આવ્યો છે અને ટીપી સ્કીમ નંબર 84ની આ જમીન હોવાથી બિલ્ડરને મંદિરની જગ્યાના લોકેશનથી ખૂબ જ ફાયદો થઈ શકે તેમ છે. તેથી પૂજારીએ બિલ્ડર સાથે મેળાપાણી કરીને નવા બંધાયેલા મંદિરને જર્જરિત દર્શાવી સરકારી ખોટા હુકમો મેળવી મંદીની જગ્યાનું વેચાણ કર્યું હોવાનું ગામ લોકો કહી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, અબ્રામા ગામમાં અંબરીશ્વર મહાદેવનું મંદિર ઘણા વર્ષોથી છે. ત્યારબાદ પૂજારીના વંશજોને પૂજા કરવા માટે મંદિરમાં જગ્યા આપવામાં આવી હતી. ત્યારબાદ પરંપરાગત પેઢી દર પેઢી પૂજારીના વંશજો મંદિરમાં પૂજા કરતા હતા. પરંતુ પૂજારીએ ગામ લોકોની જમીન પર બનેલા આ મંદિરને પોતાની પ્રોપર્ટી સમજીને સુરતના નામાંકિત ઉદ્યોગપતિને વેચાણ કરી પોતાનો આર્થિક લાભ મેળવ્યો છે. ત્યારે હવે ગામ લોકો ભગવાનનું ઘર બચાવવા માટે અને મંદિરના અસ્તિત્વને લઈને તંત્ર સામે લડત લડી રહ્યા છે. અગાઉ પણ આ બાબતે જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું, છતાં પણ રાજકીય વગ ધરાવતા ઉદ્યોગપતિ સામે તંત્રએ કોઈપણ કાર્યવાહી નહીં કરી. હવે ગામ લોકો ફરીથી મંદિર બચાવવા અને ભગવાનના ઘરની જગ્યા માટે તંત્ર સામે લડત લડવા મેદાનમાં ઉતર્યા છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આ એક પૌરાણિક મંદિર છે. જેનો મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ છે. આ મંદિરની જમીન મંદિરના પૂજારી ભીરેન્દ્ર વૈદ્ય અને બિલ્ડર વલ્લભ સવાણી દ્વારા મેળાપીપળા કરી ખરીદ વેચાણની પ્રક્રિયા કરવામાં આવી છે. જે બિનઅધિકૃત રીતે કરવામાં આવી છે. જિલ્લા કલેકટર અને અગ્ર સચિવ દ્વારા પણ આ જમીન નહીં વેચવા માટેનો મનાઈ હુકમ આપવામાં આવ્યો છે. છતાં પણ ગામવાસીઓને અંધારામાં રાખી આ જમીનનો સોદો કરવામાં આવ્યો છે. માત્ર એક કોપીની જાહેરાત કરી ચેરિટી કમિશનર સમક્ષ આ કોપી રજૂ કરવામાં આવી છે. છેતરપિંડી કરી અને આ જમીનનો સોદો કરી દેવામાં આવ્યો છે. આ જમીન કોઈપણ સંજોગોમાં ગામવાસીઓ વેચવા તૈયાર નથી. આ જમીન દેવાધિદેવ મહાદેવની છે અને આ જમીન ગામવાસીઓને પરત જોઈએ છે તેવી સરકાર સમક્ષ અબ્રામા ગામના લોકોની માંગ છે. આ એક સનાતન સંસ્કૃતિ માટેનો વિષય છે.