સુરત AAPના સસ્પેન્ડેડ કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે ખંડણીના બે ગુના નોંધાયા, વેપારી પાસેથી 1 લાખ પડાવ્યાં

સુરતઃ આમ આદમી પાર્ટીના સસ્પેન્ડેડ કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે ખંડણીના બે ગુના નોંધવામાં આવ્યા છે. બે વર્ષ પહેલાં પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ પાર્ટીમાંથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે હાલ ઉતરાણ પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, સ્ટેશનરીના વેપારી રોનક પટેલે કોર્પોરેટર રાજેશ મોરડીયા તેમજ પંકજ હિરણી સામે ફરિયાદ નોંધાવી છે. કોર્પોરેટર રાજેશ અને પંકજે વેપારીની સ્ટેશનરીનું ટેમ્પરરી સ્ટ્રકચર તોડાવી નાંખવાની ધમકી આપી 7 લાખ રૂપિયાની માગણી કરી હતી. ત્યારે વેપારીએ પૈસાની ના પાડતા ગળું દબાવી અને ચપ્પુ બતાવી 1 લાખ પડાવ્યા હતા. કોર્પોરેટર રાજેશે વેપારીનું ગળું દબાવ્યું અને પંકજ હીરાણીએ ચપ્પુ બતાવી 1 લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ વેપારીએ નોંધાવી છે.
કોર્પોરેટર રાજેશ મોરડીયા સામે બીજી ફરિયાદ હિરેન ખેનીએ નોંધાવી છે. ઓગસ્ટ 2023થી સપ્ટેમ્બર 2023 દરમિયાન કોર્પોરેટરે ફરિયાદીની જમીન સુધી થતા ડામર રોડનું કામ અટકાવ્યું હતું. ત્યારે કોર્પોરેટર રાજેશ મોરડીયાએ ફરિયાદી હિરેન ખેની પાસેથી 50000 રૂપિયા પડાવ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.