News 360
April 3, 2025
Breaking News

સુરતમાં IPL જોવા માટે મોબાઈલ ન આપતા 3 ઈસમોએ સગીર પર ચપ્પુ વડે કર્યો હુમલો

અમિત રૂપાપરા, સુરત: શહેરમાં IPL મેચ જોવા માટે યુવકે મોબાઈલ ન આપ્યો અને આ અદાવતમાં 3 ઈસમોએ સગીર પર હુમલો કર્યો. હુમલાખોરોએ સગીરને છાતીના ભાગે તેમજ પેટના ભાગે ચપ્પુ મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. આ ઘટનાને લઈને ડીંડોલી પોલીસ દ્વારા ત્રણ ઇસમો સામે BNSની કલમ 188 (2) 352, 54 અને GP એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કર્યો છે.

સુરતના ડીંડોલી પોલીસ સ્ટેશનમાં ઉમાશંકર ડેકાટ નામના વ્યક્તિ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઉમાશંકરે દેવેન્દ્ર, રાજાસિંગ અને કિરણ નામના ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદમાં ઉમાશંકર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફરિયાદી તેનો ભાઈ જીતેન્દ્ર અને મિત્ર વિશાલ મોબાઇલમાં IPL મેચ જોતા હતા. તે સમયે દેવેન્દ્ર, રાજાસિંગ અને કિરણ નામના ઇસમો તેમની પાસે આવ્યા હતા અને ફરિયાદીના ભાઈ જીતેન્દ્ર પાસે IPL મેચ જોવા માટે મોબાઈલની માગણી કરી હતી.

જીતેન્દ્ર દ્વારા દેવેન્દ્ર, રાજાસિંગ અને કિરણને મોબાઈલ આપવાની ના પાડવામાં આવી હતી. એટલામાં કિરણ નામનો ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને જીતેન્દ્ર સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો અને ત્યાર બાદ આ મામલો ઉગ્ર બન્યો હતો અને દેવેન્દ્ર, રાજાસિંગ અને કિરણ દ્વારા જીતેન્દ્રને માર મારવાનો શરૂ કરવામાં આવ્યું હતું અને આ ઝઘડામાં ઉશ્કેરાયેલા દેવેન્દ્ર તેમજ રાજાસિંગે પોતાની પાસે રહેલું ચપ્પુ જીતેન્દ્રની પેટ અને છાતીના ભાગે મારવામાં આવ્યું હતું.

જીતેન્દ્ર પર હુમલો કર્યા બાદ આ ત્રણેય ઈસમો ઘટના સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા અને ત્યાર બાદ ઉમાશંકર અને તેના મિત્ર વિશાલ દ્વારા જીતેન્દ્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાના પગલે ડીંડોલી પોલીસ દ્વારા ઉમાશંકરની ફરિયાદ લઈ દેવેન્દ્ર, રાજાસિંગ અને કિરણને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

જીતેન્દ્ર ક્રિકેટ પ્રત્યે ખૂબ જ રુચિ ધરાવે છે અને તે ધોરણ 10ના અભ્યાસ બાદ સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે ક્રિકેટની ટ્રેનિંગ માટે જવાનો હતો અને જીતેન્દ્રનું સપનું છે કે, તે સારો ખેલાડી બનીને ટીમ ઇન્ડિયા માટે રમે.