સુરતમાં 3 અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી, ગેરકાયદેસર મિલકતોનું બાંધકામ તોડી પાડ્યું

અમિત રુપાપરા, સુરતઃ ઉત્તર પ્રદેશની જેમ હવે ગુજરાતમાં પણ અસામાજિક જ તત્વો સામે ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે સુરતમાં એક જ દિવસમાં અલગ અલગ ત્રણ અસામાજિક તત્વોની ગેરકાયદેસર મિલકતો સુરત શહેર પોલીસે પાલિકાની ટીમને સાથે રાખીને તોડી પાડીને ગેરકાયદેસર બાંધકામ દૂર કર્યા હતા.

સુરત શહેરમાં અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે એક જ દિવસમાં ત્રણ અસામાજિક તત્વો દ્વારા રસ્તા પર કે અન્ય સરકારી જગ્યા પર કરેલા ગેરકાયદેસર દબાણ અને પોલીસ દ્વારા પાલિકાની ટીમ સાથે તોડી પાડવામાં આવ્યા હતા.

સુરતના લાલ ગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા સમીર માંડવા નામનો અસામાજિક તત્વ ખૂન, મારામારી, ખૂનની કોશિશ તેમજ ખંડણી સહિતના ગુનાઓને અંજામ આપી ચૂક્યો છે. ફૂલવાડી વિસ્તારમાં આ ઈસમ માથાભારે તરીકેની છાપ ધરાવે છે. ત્યારે લાલગેટ પોલીસને માહિતી મળી હતી કે, સમીર માંડવા દ્વારા પોતાના ઘરની સામે જ સુરત મહાનગરપાલિકાની ખુલ્લી જગ્યામાં પતરાનો શેડ તાણવામાં આવ્યો છે. ત્યારે પોલીસ પાલિકાની ટીમને સાથે રાખીને ઘટનાસ્થળે પહોંચી હતી અને સમીર માંડવા દ્વારા પાલિકાની ખુલ્લી જગ્યામાં બનાવવામાં આવેલા ગેરકાયદેસર પતરાના શેડને દૂર કરવામાં આવ્યો હતો.

બીજી તરફ સુરતની અઠવાલાઇન્સ પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને સજ્જુ કોઠારી તેમજ કુખ્યાત આરીફ મીંડી દ્વારા રસ્તાની જગ્યામાં ઊભા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવ્યું હતું. સુરતના નાનપુરા વિસ્તારમાં સજ્જુ કોઠારી દ્વારા જમરૂખ ગલીમાં વૈભવી બંગલો બનાવવામાં આવ્યો છે. આ વૈભવી બંગલો રસ્તાની જગ્યામાં દબાણ કરીને ઉભો કરવામાં આવ્યો છે. ત્યારે અઠવાલાઇન્સ પોલીસ દ્વારા પાલિકાની ટીમને સાથે રાખીને ગુજસીટોક, હત્યા, હત્યાના પ્રયાસ, રાયોટિંગ, ધમકી, પ્રોહિબિશન, ફરજમાં રૂકાવટ, ધાડ, વ્યાજખોરી સહિતના ગુનાઓને અંજામ આપી ચૂકેલા સજ્જુ કોઠારીના ઘરે પહોંચી હતી. ડીસીપી વિજયસિંહ ગુર્જર, એસીપી તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાની ટીમ દ્વારા સજ્જુ કોઠારીના ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું.

સજ્જુ કોઠારી દ્વારા કરવામાં આવેલું રસ્તા પરનું ગેરકાયદેસર બાંધકામ તોડ્યા બાદ નાનપુરા વિસ્તારના જ કુખ્યાત આરીફ મીંડીના દીકરા દ્વારા રસ્તા પર દબાણ કરીને ઓફિસ બનાવવામાં આવી હોવાની માહિતી પોલીસને મળતા પોલીસનો કાફલો પાલિકાની ટીમ સાથે આરીફ મીંડીના દીકરાની ઓફિસ પર પહોંચ્યો હતો અને જ્યાં ગેરકાયદેસર રીતે રોડ પર દબાણ કરીને બનાવવામાં આવેલી ઓફિસનું ડિમોલેશન પોલીસ દ્વારા કરવામાં આવ્યું હતું.

સમગ્ર ઘટનાને લઈને DCP વિજયસિંહ ગુર્જર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અસામાજિક તત્વોનો આતંક ચલાવી લેવામાં આવશે નહીં. જે અસામાજિક તત્વો લોકોને હેરાન પરેશાન કરે છે, તેનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેમના દ્વારા કોઈ પાસેથી મિલકતો પડાવવામાં આવી છે કે પછી વ્યાજખોરના ચક્રમાં લોકોને ફસાવીને મિલકત લખાવી લેવામાં આવી હોય તે તમામ બાબતો પર પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. અસામાજિક તત્વો દ્વારા રસ્તાની જગ્યામાં કે પછી સરકારી જગ્યા પર દબાણ ઊભા કરીને ગેરકાયદેસર મિલકતો ઊભી કરવામાં આવી છે, તે તમામ જગ્યાઓ પર જઈને આ મિલકતોનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.