સુરતમાં 117 બ્રિજનો સરવે હાથ ધરવામાં આવ્યો, ચાર ભાગમાં વર્ગીકૃત કરી કામગીરી હાથ ધરી
અમિત રુપાપરા, સુરતઃ શહેરની ઓળખ બ્રિજ સિટી તરીકે થઈ રહી છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજનો પ્રિમોન્સૂન હાઈટેક સરવે કરવામાં આવી રહ્યો છે. પાલિકા દ્વારા ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રિજના પિલ્લર અને સ્પાન વચ્ચે સરળતાથી પહોંચી શકાતું નથી. જેથી ડ્રોન ઉડાવી નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ બાદ રિપેરીંગ કરવા અંગે નિર્ણય કરવામાં આવશે.
મોરબીમાં ઝૂલતા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકારે નોટીફિકેશન બહાર પાડ્યું હતું કે, તમારા શહેરના બ્રિજનું સમારકામ અને જાળવણી માટે સરવે કરાવવો જરૂરી છે. જેથી સુરતમાં પણ 2023થી પ્રિ-મોન્સૂન અને પોસ્ટ મોન્સૂન એમ બે વાર સરવે કરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને ત્રણ કન્સલ્ટન્સને તમામ બ્રિજના સરવેની કામગીરી સોંપવામાં આવી હતી.
આ પણ વાંચોઃ કમોસમી વરસાદે ખેડૂતોને રોવડાવ્યાં, પપૈયાનો પાક બરબાદ થયો
વધુમાં જણાવ્યું હતું કે, સુરત શહેરમાં કુલ 124 બ્રિજ આવેલા છે. જેમાંથી 117 બ્રિજનો સરવે કરવામાં આવ્યો હતો. કુલ ચાર કેટેગરી બનાવવામાં આવી હતી. એક નંબરની કેટેગરીમાં એવા બ્રિજ છે જેને કોઈ સમારકામની જરૂર નથી. બીજી કેટેગરીમાં થોડા જ સમારકામની જરૂર હોય તેવા બ્રિજને સમાવવામાં આવ્યા છે. ત્રીજી કેટેગરીમાં એવાં બ્રિજ છે કે, જેનું ફર્ધર ઇનવેસ્ટિગેશન કરાવવું પડે. ત્યારબાદ તેની જાળવણીનો અંદાજ લગાવીને જાણવણી કરવાનું થાય. જ્યારે ચોથી કેટેગરીમાં જો કોઈ બ્રિજ હોય તો તેને તાત્કાલિક બંધ કરીને એનું રિપેરીંગ કરાવવું જરૂરી છે. આ રીતે બ્રિજને વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદના SVPI એરપોર્ટ પર સુવિધામાં વધારો, ઓપરેશન્સ-એરક્રાફ્ટની સંખ્યા વધશે
સુરત શહેરમાં 124માંથી સાત બ્રિજ એક્સેસિબલ નથી. તેથી 117 બ્રિજનો સરવે કરવામાં આવ્યો હતો. 60 બ્રિજ એવા છે, જેને કોઈ મરામતની જરૂર નથી. જ્યારે બીજી કેટેગરીમાં સામાન્ય રિપેરીંગની જરૂર હોય તેવા 19 બ્રિજ છે. જ્યારે ત્રીજી કેટેગરીમાં 30 બ્રિજનો સમાવેશ થાય છે. આ સાથે એકપણ બ્રિજ એવો નથી કે, જેને બંધ કરીને તાત્કાલિક ધોરણે રિપેરીંગ કરાવવો પડે. કેટેગરી ત્રણમાં જે બ્રિજનો સમાવેશ થયો છે, તેમાંથી ચાર બ્રિજ હાલ રિપેરીંગ હેઠળ છે. 10 બ્રિજના રિપેરીંગ માટેના ટેન્ડર આવી ગયા છે. બાકીના જે બ્રિજ છે તે અલગ અલગ સરવે હેઠળ કામગીરી ચાલી રહી છે. આ વર્ષે પ્રિ-મોન્સૂન બ્રિજનો સર્વે ચાલુ કરી દેવામાં આવ્યો છે. જ્યાં સરળતાથી પહોંચી શકાય તેમ નથી, ત્યાં ડ્રોનનો ઉપયોગ કરીને નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ નિરીક્ષણ બાદ એક રિપોર્ટ બનાવવામાં આવશે અને ત્યારબાદ રીપેરીંગ હાથ ધરવામાં આવશે.