News 360
March 14, 2025
Breaking News

સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ, કહ્યું-‘EVMમાંથી ડેટા ડિલિટ ન કરો’

Supreme Court: સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને EVMની ચકાસણી સંબંધિત અરજી પર જવાબ દાખલ કરવા કહ્યું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ની આ અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને ઇવીએમની બર્ન મેમરીની તપાસ માટે સ્પષ્ટ પ્રોટોકોલ બનાવવાનું કહેવું જોઈએ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું છે કે સુનાવણી માર્ચના પહેલા અઠવાડિયામાં થશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે ચૂંટણી પંચે તાજેતરમાં જ્યાં ચૂંટણી યોજાઈ હતી ત્યાંના EVM ડેટાને ડિલીટ ન કરે, ન તો તેમાં નવા ડેટા લોડ કરે.

આ પણ વાંચો: સગાઈ તોડી નાંખતા યુવતીનો આપઘાત, મંગેતરે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ

અરજીમાં ગયા વર્ષે આપેલા સુપ્રીમ કોર્ટના એક મહત્વપૂર્ણ નિર્ણયનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણીની જૂની પદ્ધતિને પુનઃસ્થાપિત કરવાનો ઇનકાર કર્યો હતો. ઉપરાંત, બધી VVPAT સ્લિપ ગણવાની માંગને પણ નકારી કાઢવામાં આવી હતી, પરંતુ વધુ સારી પારદર્શિતા માટે, કોર્ટે ચૂંટણી પરિણામોની જાહેરાતના 1 અઠવાડિયાની અંદર ઇવીએમની બર્ન મેમરીની તપાસ કરવાની મંજૂરી આપી હતી.

સુપ્રીમ કોર્ટે અગાઉ આ કહ્યું હતું
26 માર્ચ, 2024 ના રોજ આપવામાં આવેલા આ નિર્ણયમાં, સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બીજા અથવા ત્રીજા ક્રમના ઉમેદવાર પરિણામ જાહેર થયાના એક અઠવાડિયાની અંદર ફરીથી ચકાસણીની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં, એન્જિનિયરોની ટીમ કોઈપણ 5 માઇક્રો કંટ્રોલરની બર્ન મેમરી તપાસશે. ઉમેદવારે આ તપાસનો ખર્ચ ઉઠાવવો પડશે. જો કોઈ ગેરરીતિ સાબિત થશે તો ઉમેદવારને તેના પૈસા પાછા મળશે.

અરજીમાં આ કહેવામાં આવ્યું હતું
ADR ની અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચૂંટણી પંચની વર્તમાન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)માં માત્ર ઈવીએમ અને મોક પોલના બેઝિક ચેકિંગ માટેના નિર્દેશો છે. આયોગે હજુ સુધી બર્ન મેમરીની તપાસ અંગે પ્રોટોકોલ બનાવ્યો નથી. અરજદારે માંગ કરી છે કે ચૂંટણી પંચને EVMના ચારેય ભાગો – કંટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ, VVPAT અને સિમ્બોલ લોડિંગ યુનિટના માઇક્રોકન્ટ્રોલર્સનું પરીક્ષણ કરવા માટે પ્રોટોકોલ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવે.