December 28, 2024

બાયજૂસને સુપ્રીમ કોર્ટમાં ઝટકો, BCCI સાથે સેટલમેન્ટ કરવા NCLATના આદેશ પર લગાવ્યો સ્ટે

Byju’s-BCCI Case: આર્થિક સંકટનો સામનો કરી રહેલી ટેક બેઝ્ડ એજ્યુકેશન કંપની બાયજૂસને સુપ્રીમ કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે ACLAT (NCLAT) ના આદેશ પર સ્ટે મૂક્યો છે જેમાં બાયજૂસ અને બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ (BCCI) વચ્ચે સમાધાન કરવાની પરવાનગી આપવામાં આવી હતી. બાયજૂસે BCCIને 158 કરોડ રૂપિયાની ચૂકવણી કરી દીધી છે, સુપ્રીમ કોર્ટે BCCIને આ રકમ અલગથી ખાતામાં જમા કરવા કહ્યું છે.

ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ આદેશ આપ્યો છે. BCCIનું પ્રતિનિધિત્વ કરી રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલના આદેશ સામેની અપીલનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે NCLAT ઓર્ડર પર સ્ટે રાખવાથી BCCIનું સેટલમેન્ટ ખતમ થઈ જશે. ચીફ જસ્ટિસે 23 ઓગસ્ટ સુધીમાં BCCIને સેટલમેન્ટની રકમ અલગ ખાતામાં જમા કરાવવા કહ્યું છે. આ કેસની આગામી સુનાવણી હવે 23 ઓગસ્ટે થશે. NCLATના આદેશની સામે ગ્લાસ ટ્રસ્ટ દ્વારા અપીલ કરવામાં આવી હતી, જે લેન્ડર્સની ટ્રસ્ટી છે અને તેણે બાયજૂસને 1.2 બિલિયન ડોલરની લોન આપી હતી.

આ પહેલા, નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલે ઇન્સોલ્વન્સી એક્ટ હેઠળ બાયજૂસ સામે પગલાં લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો. NCLAT એ બાયજૂસ અને BCCI વચ્ચેના સમાધાન બાદ આ પ્રતિબંધ લગાવ્યો હતો. બાયજૂસ અને BCCI વચ્ચે એક સમાધાન થયું હતું કે બાયજૂ રવિન્દ્રન તેના પર્સનલ ફંડ માંથી BCCIની બાકી રકમ ચૂકવશે. સ્પોન્સરશિપ ડીલના બદલામાં બાયજૂસે BCCIને આ રકમ આપવાની બાકી છે.

ઓગસ્ટ મહિનાના પહેલા સપ્તાહમાં બાયજૂ રવિન્દ્રને પણ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. તેમને ચિંતા હતી કે અમેરિકન ક્રેડિટર BCCI ડીલનો વિરોધ કરીને કોર્ટમાં જઈ શકે છે. બાયજૂ રવિન્દ્રને સુપ્રીમ કોર્ટ સમક્ષ માંગ કરી છે કે જો GLAS ટ્રસ્ટ કંપની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવામાં આવે તો તેમની અરજી પર પણ પહેલા સુનાવણી કરવામાં આવે.