December 23, 2024

શંભુ બોર્ડર પર યથાસ્થિતિ જાળવી રાખવા સુપ્રીમનો આદેશ, ખેડૂતોની માંગ માટે સમિતિ બનાવાશે

દિલ્હી: સુપ્રીમ કોર્ટે અંબાલા પાસે આવેલ શંભુ બોર્ડર પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. શંભુ બોર્ડર પર ખેડૂતો 13 ફેબ્રુઆરીથી પડાવ નાખીને બેઠા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે એક સ્વતંત્ર સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ મૂકે છે. આ સમિતિ ખેડૂતો અને અન્ય હિતધારકો સાથે તેમની માંગણીઓનો વ્યવહારુ ઉકેલ શોધવા માટે સંપર્ક કરશે, જે નિષ્પક્ષ, ન્યાયી અને સૌના હિતમાં હોય.

પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચુકાદાની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી હરિયાણા સરકાર
ઉલ્લેખનીય છે કે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે નેશનલ હાઇવે-1 પર શંભુ બોર્ડરને એક અઠવાડિયામાં ખોલવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટના આદેશ અનુસાર, 24 જુલાઇ એટલે કે આજે શંભુ બોર્ડર ખોલવાની હતી, પરંતુ હાઇકોર્ટના આદેશને હરિયાણા સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. હરિયાણા સરકારે કાયદો અને વ્યવસ્થાનો હવાલો આપતા સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. હરિયાણા સરકારની અરજી પર સુનાવણી કરતાં બુધવારે સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં હાઇકોર્ટના ચુકાદા પર રોક લગાવી દીધી હતી અને કહ્યું હતું કે શંભુ બોર્ડર પર યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું, જ્યાં ખેડૂતો ગત 13 ફેબ્રુઆરીથી તંબુ તાણીને બેઠા છે.

પંજાબ અને હરિયાણા પાસે માંગ્યા સમિતિ માટે નામોના સૂચનો
સુપ્રિમ કોર્ટે પ્રતિષ્ઠિત લોકોની એક સમિતિ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ સમિતિ ખેડૂતો અને અન્ય હિતધારકોને મળશે અને તેમની વાત સાંભળશે અને વ્યાવહારિક સમાધાન શોધશે જે નિષ્પક્ષ, ન્યાયી અને સૌના હિતમાં હોય. સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા સરકારોને સ્વતંત્ર સમિતિ માટે સભ્યોના નામ સૂચવવા કહ્યું છે. સુપ્રીમ કોર્ટે બંને રાજ્યોને એક સપ્તાહની અંદર નામ સૂચવવા કહ્યું છે. સુપ્રિમ કોર્ટે પંજાબ અને હરિયાણાને શંભુ બોર્ડર પરના બેરિકેડ્સને તબક્કાવાર રીતે હટાવવા માટે પગલાં લેવા પણ કહ્યું છે જેથી જનતાને કોઈ અસુવિધા ન થાય.