December 25, 2024

આંધ્રપ્રદેશ-ઝારખંડ સહિત 11 રાજ્યોએ RTI પોર્ટલ શરૂ કર્યું નથી, સુપ્રીમ કોર્ટે માંગ્યો જવાબ

Supreme court: આંધ્રપ્રદેશ અને ઝારખંડ સહિત દેશના 11 રાજ્યોએ હજુ સુધી માહિતી અધિકાર અધિનિયમ (RTI) પોર્ટલ શરૂ કર્યું નથી. સુપ્રીમ કોર્ટે આ અંગે રાજ્યો પાસેથી જવાબ માંગ્યો છે. ગયા વર્ષે 20 માર્ચે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને ઉચ્ચ અદાલતોને ત્રણ મહિનાની અંદર RTI વેબસાઈટ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

આ કેસમાં અરજદાર અનુજ નાકડેની અરજી પર સુનાવણી દરમિયાન વકીલે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલાની બેંચને કહ્યું કે 11 રાજ્યોએ હજુ સુધી તેમની આરટીઆઈ વેબસાઈટ શરૂ કરી નથી. કોર્ટે કહ્યું કે આંધ્ર પ્રદેશ, ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આંદામાન અને નિકોબાર, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી, જમ્મુ અને કાશ્મીર, લક્ષદ્વીપ અને અરુણાચલ પ્રદેશે કોર્ટના નિર્ણયનું પાલન કર્યું નથી.

કોર્ટે કહ્યું કે જે રાજ્યોમાં RTI પોર્ટલની સ્થાપના કરવામાં આવી છે, તે પોર્ટલ ભારત સરકારની માર્ગદર્શિકા હેઠળ સુલભતાના ધોરણોને પૂર્ણ કરતા નથી. કોર્ટે કહ્યું કે જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પોર્ટલ શરૂ કર્યું નથી તેમને નોટિસ જારી કરવી જોઈએ. તમામ સરકારોએ 21મી ઓક્ટોબર સુધીમાં તેમના જવાબો દાખલ કરે. CJIએ ચુકાદામાં કહ્યું કે સર્વોચ્ચ અદાલતે RTI અરજીઓ માટે એક પોર્ટલ પણ બનાવ્યું છે.અગાઉ સર્વોચ્ચ અદાલતને લગતી RTI અરજીઓ માત્ર પોસ્ટ દ્વારા જ દાખલ કરવામાં આવતી હતી.