November 23, 2024

સુપ્રીમમાં કોલકાતા કેસની સુનાવણી, કહ્યું – અમને ડોક્ટરોની સુરક્ષાની ચિંતા

નવી દિલ્હીઃ કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ટ્રેઇની ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ ગઈ છે. સર્વોચ્ચ અદાલતે જુનિયર ડૉક્ટરની બળાત્કાર અને હત્યા અને હોસ્પિટલમાં તોડફોડના મામલામાં સુઓમોટો લીધો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે આ ઘટનાની નોંધ લીધી અને કેસની સુનાવણી કરી હતી. ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ ઉપરાંત આ કેસની સુનાવણી કરનારી બેંચમાં જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સામેલ હતા.

‘અમે ડૉક્ટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ’
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે, આ માત્ર હત્યાનો મામલો નથી. અમે ડોક્ટરોની સુરક્ષાને લઈને ચિંતિત છીએ. બેંચે કહ્યું કે, મહિલાઓને સુરક્ષાથી વંચિત રાખવામાં આવી રહી છે. ખંડપીઠે પૂછ્યું કે, આવા સંજોગોમાં ડોક્ટરો કેવી રીતે કામ કરશે? અમે જોયું છે કે ઘણી જગ્યાએ તેમના માટે આરામ રૂમ પણ નથી હોતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ‘જો મહિલાઓ કામ પર નથી જઈ રહી અને કામ કરવાની પરિસ્થિતિ સુરક્ષિત નથી તો આપણે તેમને સમાનતાથી વંચિત રાખી રહ્યા છીએ. મોટાભાગના યુવા ડોક્ટરો 36 કલાક કામ કરે છે, આપણે કામ કરવાની સુરક્ષિત સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય પ્રોટોકોલ બનાવવાની જરૂર છે.’

પીડિતાની ઓળખ જાહેર કરવા મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, આ ઘટના દુઃખદ છે. સુપ્રીમ કોર્ટે જાહેરાત કરી કે, અમે આ ઘટનાની તપાસ માટે નેશનલ ટાસ્ક ફોર્સની રચના કરવા જઈ રહ્યા છીએ. આ ટાસ્ક ફોર્સ કોર્ટની દેખરેખ હેઠળ કામ કરશે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં સીબીઆઈ પાસેથી સ્ટેટસ રિપોર્ટ પણ મંગાવ્યો હતો.