November 18, 2024

બિલ્કીસ બાનો કેસ : સુપ્રીમ કોર્ટે દોષિતોને છોડવાનો આદેશ રદ કર્યો, કહ્યું- ગુજરાતને નિર્ણય લેવાનો અધિકાર નથી

બિલકિસ બાનો કેસ પર સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો આપ્યો છે. આ બાબતે ટિપ્પણી કરતા જસ્ટિસ નાગરથનાએ કહ્યું કે, સજા એટલા માટે આપવામાં આવે છે જેથી ભવિષ્યમાં ગુનાઓ અટકાવી શકાય. ગુનેગારને સુધરવાની તક આપવામાં આવે છે પરંતુ પીડિતાની વેદનાને પણ સમજવી જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે, અમે કાયદાકીય દૃષ્ટિકોણથી મામલાની તપાસ કરી છે. અમે પીડિતાની અરજીને સુનાવણી માટે યોગ્ય ગણી છે.

વધુમાં તેમણે કહ્યું, આ મામલે જે પીઆઈએલ દાખલ કરવામાં આવી છે તે સાંભળવા યોગ્ય છે કે નહીં તે અંગે અમે કોઈ ટિપ્પણી કરી રહ્યા નથી. જસ્ટિસ નાગરથનાએ કહ્યું, ગુજરાત સરકારે તેમની મુક્તિ અંગે નિર્ણય લેતા પહેલા જે કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવી હતી તેનો અભિપ્રાય લેવો જોઈતો હતો. જે રાજ્યમાં આરોપીઓને સજા કરવામાં આવી હતી તે રાજ્યએ તેમની મુક્તિનો નિર્ણય લેવો જોઈએ. વધુમાં કોર્ટે કહ્યું, ગુનેગારોની મુક્તિ અંગેનો નિર્ણય લેવાનો અધિકાર મહારાષ્ટ્ર સરકારનો હતો, ગુજરાત સરકારનો નહીં.

આ પણ વાંચો : PM મોદી પર અપમાનજનક નિવેદન બાદ ભારત એક્શનમાં, માલદીવના હાઈ કમિશનરને વિદેશ મંત્રાલયે બોલાવ્યા
શું છે મામલો ?

અગાઉ, કોર્ટે આ મામલે 11 દિવસ સુધી વિસ્તૃત સુનાવણી હાથ ધરી હતી. આ સમય દરમિયાન, કેન્દ્ર અને ગુજરાત સરકારોએ ગુનેગારોની સજા માફી સંબંધિત મૂળ રેકોર્ડ રજૂ કર્યા હતા. આ લોકોએ સુધારાત્મક સિદ્ધાંતનું પાલન કર્યું હોવાનું કહીને ગુજરાત સરકારે ગુનેગારોને મુક્ત કરવાની વાતને યોગ્ય ઠેરવી હતી. આ મામલે સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે શું ગુનેગારોને માફી માંગવાનો મૂળભૂત અધિકાર છે. એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો કે આ અધિકાર પસંદગીપૂર્વક ન આપવો જોઈએ અને સમાજમાં સુધારણા અને પુનઃ એકીકરણ દરેક કેદી સુધી વિસ્તરવું જોઈએ.