May 19, 2024

‘ઈલેક્ટોરલ બોન્ડ’ને ગેરબંધારણીય ગણાવતા સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ મૂક્યો

Electoral Bonds: લોકસભા ચૂંટણીની જાહેરાત પહેલા સુપ્રીમ કોર્ટે (Supreme Court) ઈલેક્ટોરલ બોન્ડને લઈને મોટો ચૂકાદો આપ્યો છે. SCએ ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને ગેરકાયદેસર જાહેર કરી તેના પર પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે ચૂકાદામાં જણાવ્યું કે ચૂંટણી બોન્ડ માહિતીના અધિકારનું ઉલ્લંઘન છે. મતદારોને પાર્ટીના ફંડિંગ વિશે જાણવાનો અધિકાર છે. કોર્ટે આદેશ આપ્યો છે કે બોન્ડ ખરીદનારાઓની યાદી જાહેર કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે નાગરિકોને એ જાણવાનો અધિકાર છે કે સરકારના પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે. કોર્ટે કહ્યું કે અનામી ઈલેક્ટોરલ બોન્ડ માહિતીના અધિકાર અને કલમ 19(1)(A)નું ઉલ્લંઘન છે. ચુકાદો આપતી વખતે CJIએ કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડ સિવાય કાળા નાણાને રોકવાના અન્ય રસ્તાઓ છે. કોર્ટે કહ્યું કે ઈલેક્ટોરલ બોન્ડની ગોપનીયતા ‘જાણવાના અધિકાર’ની વિરુદ્ધ છે. રાજકીય પાર્ટીના ભંડોળ વિશેની માહિતી હોવાને કારણે લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવામાં સ્પષ્ટતા મળે છે.

નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે ગયા વર્ષે 31 ઓક્ટોબરથી આ મામલે નિયમિત સુનાવણી શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન કોર્ટે સતત 3 દિવસ સુધી આ કેસની સુનાવણી કરી હતી. જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે આ સુનાવણી કરી હતી. આ બંધારણીય બેંચમાં CJIની સાથે જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા હતા. સુનાવણી દરમિયાન અરજદાર પક્ષ અને વિપક્ષ બંને તરફથી દલીલો કરવામાં આવી હતી. કોર્ટે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી તમામ પક્ષકારોને ગંભીરતાથી સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.

SBI ચૂંટણી પંચ સાથે માહિતી શેર કરશે
ચુકાદો આપતી વખતે CJIએ સ્પષ્ટ કહ્યું કે રાજકીય પાર્ટીના ફંડિંગની માહિતી જાહેર ન કરવી એ હેતુની વિરુદ્ધ છે. SBIએ 12 એપ્રિલ 2019 થી અત્યાર સુધીની માહિતી સાર્વજનિક કરવી પડશે. SBIએ આ માહિતી ચૂંટણી પંચને આપવાની રહેશે અને EC આ માહિતી શેર કરશે. વધુમાં કોર્ટે કહ્યું કે SBIએ ત્રણ અઠવાડિયામાં આ માહિતી આપવી પડશે.

ઈલેક્ટોરલ બોન્ડ યોજનામાં એક સમસ્યા: કોર્ટ
અગાઉ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ઈલેક્ટોરલ બોન્ડ યોજનામાં એક સમસ્યા એ છે કે તે પસંદગીયુક્ત અનામી અને પસંદગીયુક્ત ગોપનીયતા પ્રદાન કરે છે. જેની માહિતી સ્ટેટ બેંક પાસે ઉપલબ્ધ હોય છે અને કાયદા અમલીકરણ એજન્સીઓ દ્વારા પણ તેનો ઉપયોગ કરી શકાય છે. કોર્ટે સુનાવણી દરમિયાન ટિપ્પણી કરી હતી કે આ યોજનામાં આવી સમસ્યાઓ હશે. તે તમામ રાજકીય પક્ષોને સમાન તકો નહીં આપે. જેના કારણે આ યોજના અંગે અસ્પષ્ટતા રહેશે. બીજી બાજુ કોર્ટે એમ પણ કહ્યું કે આ યોજનાનો ઉદ્દેશ્ય કાળા નાણાને ખતમ કરવાનો છે, જે પ્રશંસનીય છે.

એક ટકા મત મેળવવાની શરત
સરકારે આ યોજનાને 2 જાન્યુઆરી 2018ના રોજ જાહેર કરી હતી. જેમાં કહ્યું હતું કે ભારતના કોઈપણ નાગરિક અથવા દેશમાં સ્થાપિત કોઈપણ એન્ટિટી દ્વારા ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકાય છે. કોઈપણ વ્યક્તિ એકલા અથવા સંયુક્ત રીતે અન્ય વ્યક્તિઓ સાથે ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે છે. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 29A હેઠળ નોંધાયેલ રાજકીય પક્ષો ઈલેક્ટોરલ બોન્ડ સ્વીકારવા માટે પાત્ર છે. શરત માત્ર એટલી છે કે છેલ્લી લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં તેમને ઓછામાં ઓછા એક ટકા વોટ મળવા જોઈએ. ઈલેક્ટોરલ બોન્ડ્સ લાયક રાજકીય પાર્ટી દ્વારા અધિકૃત બેંકમાં તેના ખાતાના માધ્યમથી જ રોકડ કરવામાં આવશે. બોન્ડ ખરીદ્યાના પખવાડિયાની અંદર સંબંધિત પક્ષકારે તેના રજિસ્ટર્ડ બેંક ખાતામાં તે જમા કરાવવું ફરજિયાત રહેશે. જો પક્ષ આમ કરવામાં નિષ્ફળ જાય તો આ બોન્ડ રદ થઈ જશે.

ઈલેક્ટોરલ બોન્ડ શું છે?
આ બોન્ડની શરૂઆત વર્ષ 2018માં થઇ હતી. આ બોન્ડને લાગુ કરવા પાછળનો વિચાર એ હતો કે તેનાથી રાજકીય ભંડોળમાં પારદર્શિતા વધશે અને સ્વચ્છ નાણાં આવશે. આમાં વ્યક્તિઓ, કોર્પોરેટ અને સંસ્થાઓ બોન્ડ ખરીદે છે અને રાજકીય પક્ષોને દાન તરીકે આપે છે અને રાજકીય પક્ષો આ બોન્ડ્સને બેંકમાં રોકીને નાણાં મેળવી શકે છે. ભારતીય સ્ટેટ બેંકની 29 શાખાઓને ઈલેક્ટોરલ બોન્ડ જારી કરવા અને રોકડ કરવા માટે અધિકૃત કરવામાં આવી હતી. આ શાખાઓ નવી દિલ્હી, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, ગાંધીનગર, ચંદીગઢ, પટના, રાંચી, ગુવાહાટી, ભોપાલ, જયપુર અને બેંગલુરુમાં આવેલ છે.

ઈલેક્ટોરલ બોન્ડ શા માટે જારી કરવામાં આવ્યા હતા?
ચૂંટણી ભંડોળ પ્રણાલીમાં સુધારો કરવા માટે સરકારે વર્ષ 2018 માં ઈલેક્ટોરલ બોન્ડ લોન્ચ કર્યા હતાં. 2 જાન્યુઆરી 2018ના રોજ તત્કાલીન મોદી સરકારે ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમને નોટિફાઈ કરી હતી. ફાઈનાન્સ એક્ટ 2017 દ્વારા ચૂંટણી બોન્ડ લાવવામાં આવ્યા હતા. આ બોન્ડ વર્ષમાં ચાર વખત જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓક્ટોબરમાં જારી કરવામાં આવે છે. આ માટે ગ્રાહક તેને બેંકની શાખામાં જઈને અથવા તેની વેબસાઈટ પર ઓનલાઈન પણ ખરીદી શકે છે.

ચૂંટણી બોન્ડની વિશેષતા શું છે?
કોઈપણ દાતા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાંથી રૂ. 1 કરોડ સુધીના ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે છે અને પોતાની ઓળખ છુપાવીને તેને પોતાની પસંદગીની રાજકીય પાર્ટીને દાન કરી શકે છે. આ સિસ્ટમ દાતાઓની ઓળખ છતી કરતી નથી અને ટેક્સમાંથી પણ મુક્તિ આપે છે. સામાન્ય ચૂંટણીમાં ઓછામાં ઓછા 1 ટકા મત મેળવનાર રાજકીય પક્ષ જ આ બોન્ડમાંથી દાન મેળવી શકે છે.

આ બોન્ડ કેવી રીતે કામ કરે છે?
એક વ્યક્તિ, લોકોનું જૂથ અથવા કોર્પોરેટ બોન્ડ જે મહિનામાં જારી કરવામાં આવે તે મહિનાના 10 દિવસની અંદર એસબીઆઈની નિયુક્ત શાખાઓમાંથી ઈલેક્ટોરલ બોન્ડ ખરીદી શકે છે. બોન્ડ્સ રૂ. 1000, રૂ. 10000, રૂ. 1 લાખ, રૂ. 10 લાખ અને રૂ. 1 કરોડના ગુણાંકમાં જારી કરવામાં આવે છે જેની વેલિડિટી ઇશ્યૂની તારીખથી 15 દિવસની હોય છે. આ બોન્ડ રોકડમાં ખરીદી શકાતા નથી અને ખરીદનારને બેંકમાં KYC ફોર્મ સબમિટ કરવું પડશે.