અંધશ્રદ્ધા: ડાકણના વહેમમાં ઘરમાં ઘુસી ફાયરિંગ કરી મહિલાની હત્યા
સંકેત પટેલ, અરવલ્લી: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના રામપુરી ગામે ડાકણનો વહેમ રાખી ઘરમાં ઘૂસી ફાયરિંગ કરી મહિલાની હત્યા કરી છે. ફાયરિંગ ઘટના બાદ પોલિસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભિલોડા તાલુકાના રામપુરીમાં રહેતી તબિયાર ઉર્મિલાબહેન દિલીપભાઈ ઉ.વ.45ને રામપુરીના રાજેશભાઇ ઉર્ફે રાજેન્દ્રભાઇ નાનજીભાઈ તબિયાર દ્વારા અવારનવાર મહેણાં ટોણા મારી તું ડાકણ હોવાનો વહેમ રાખી મારી નાખવાના ઇરાદે ખાનગી રિવોલ્વર લઈ મહિલા ઘરે ગત મોડી રાત્રે આવી મહિલાના પગે રિવોલ્વરથી ફાયરિંગ કરી મહિલાને ગંભીર ઇજા કરી મોતને ઘાટ ઉતારી હતી. ફાયરિંગનો અવાજ થતા આસપાસના લોકો જાગી ગયા અને મહિલાના ઘરે લાઈટ થતા મારનાર રાજેશભાઈ તબિયાર ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઇજાગ્રસ્ત મહિલાને 108 મારતફે ભિલોડાની કોટેજ હોસ્પિટલમાં સારવાર માટે લવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કરી હતી બનાવ અંગે મૃતક મહિલાના પતિ દિલીપભાઈ તબિયારે મારનાર રાજેશભાઇ તબિયાર વિરુદ્ધ ભિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ફાયરિંગ કરનાર શખ્સને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસ વડા, ડી.વાય.એસ.પી સહિતની ટીમો કોટેજ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી અને મૃતક મહિલાનું પંચનામું કર્યું હતું. મૃતક મહિલા ઊર્મિલાબેન તબિયાર ઘરકામ કરતી હતી અને તેમના પતિ અમદાવાદની એ.આઈ.એસ.સ્કૂલમાં બસ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન કરી રહ્યા છે. બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
મહિલાના દીકરાએ લાઇટ કરતાં આરોપી નાસી ગયો હતો. મૃતક મહિલાના પતિ દિલીપભાઈ તબિયારે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું, રાત્રિના આઠ વાગે તેમનો પુત્ર અમિત અને તેની માતા ઉર્મિલાબેન અને તેમનો બીજો પુત્ર દિવ્યેશ ત્રણે મકાન આગળની લોખંડની જાળી બંધ કરીને 8 વાગે સૂતા હતા. આ દરમિયાન રાત્રે બે વાગ્યાની આસપાસ ભડાકા જેવો અવાજ થતાં તેમનો મોટો પુત્ર અમિત જાગી ગયો હતો અને તેને લાઈટ શરૂ કરતાં જાળીમાં ઊભેલો રાજેશ ઉર્ફે રાજેન્દ્ર નાનજીભાઈ તબિયારના હાથમાં બંદૂક હતી અને તે બંદૂક તેણે મૃતક ઉર્મિલાબેન ઉપર તાકેલી હતી.