December 26, 2024

ઉનાળાની શરૂઆત થતાં જ શાકભાજીમાં ભાવ વધારો, લીંબુ 200 રૂપિયા કિલો

summer prices of vegetables increase lemon Rs 200 per kg

મોટા પ્રમાણમાં ભાવવધારો થવાથી ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે

અમિત રુપાપરા, સુરતઃ ઉનાળાની શરૂઆત થતા જ શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે શાકભાજીના ભાવમાં થયેલો વધારો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે મુશ્કેલી સર્જી શકે છે. કારણ કે એક તરફ મોંઘવારી સતત વધી રહી છે તેવામાં ઉનાળાની શરૂઆતમાં જ શાકભાજીનો ભાવ આસમાને પહોંચ્યો છે. તો આગામી દિવસોમાં હજી શાકભાજીના ભાવ વધે તેવી શક્યતાઓ છે. શાકભાજીના ભાવમાં વધારાની વાત કરવામાં આવે તો છેલ્લા સાત દિવસના સમયમાં જ લીંબુની સાથે ટામેટા, ભીંડા, તુરીયા, દૂધી, ટીંડોળા, પરવર અને મરચી સહિતના શાકભાજીના ભાવ વધ્યા છે. લીંબુનો ભાવ 200 રૂપિયા સુધી પહોંચ્યો છે. તો આગામી દિવસોમાં 400 રૂપિયા પહોંચવાની શક્યતા છે. તે જ રીતે તમામ શાકભાજીના ભાવમાં 50થી લઈ 100 ટકા જેટલો ભાવ વધારો થયો છે.

ઉનાળાની શરૂઆત થતા જ જીવન જરૂરિયાતથી ચીજ વસ્તુમાં આવતા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. તેમાં પણ લીંબુના ભાવ તો આસમાને પહોંચી ગયા છે. છેલ્લા 7 દિવસના સમયમાં લીંબુના ભાવમાં બમણો વધારો થયો છે. માત્ર લીંબુ જ નહીં પરંતુ તેની સાથે સાથે ટામેટા, ભીંડા, તુરીયા, દુધી, ટીંડોળા, પરવર અને મરચી સહિતના શાકભાજીના ભાવ વધી રહ્યા છે. તો આગામી દિવસોમાં હજુ પણ આ શાકભાજીના ભાવ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.

એક અઠવાડિયા પહેલાં શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો લીંબુ 100 રૂપિયા, ટામેટા 20 રૂપિયા, ભીંડા 60 રૂપિયા, તુરીયા 80 રૂપિયા, દુધી 60 રૂપિયા, ટીંડોળા 100 રૂપિયા, પરવર 80 રૂપિયા અને મરચી 100 રૂપિયાના ભાવે રિટેલ માર્કેટમાં મળતી હતી પરંતુ હવે લીંબુ 200 રૂપિયા, ટામેટા 40 રૂપિયા, ભીંડા 100 રૂપિયા, તુરીયા 120 રૂપિયા, દૂધી 100 રૂપિયા, ટીંડોળા 160 રૂપિયા, પરવર 160 રૂપિયા અને મરચી 200 રૂપિયા કિલો મળી રહી છે.

મહત્વની વાત છે કે, શાકભાજીના ભાવમાં 80 ટકાથી લઈને 100 ટકા સુધીનો ભાવ વધારો થયો છે. તો આગામી દિવસોમાં હજુ પણ આ ભાવ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આગામી દિવસોમાં શાકભાજીના ભાવમાં વધારો થવાની શક્યતા અનુસાર લીંબુનો ભાવ 350થી 400 રૂપિયા પ્રતિ કિલો પહોંચી શકે છે. તો ટામેટા 50થી 60 રૂપિયા, ભીંડો 120 રૂપિયા, તુરીયા 160 રૂપિયાથી 180 રૂપિયા, દુધી 140થી 160 રૂપિયા, ટીંડોળા 180થી 200 રૂપિયા, પરવર 180થી 200 રૂપિયા અને મરચી 220થી 240 રૂપિયા કિલોના ભાવે વેચાઈ શકે છે. ઉપરાંત હોલસેલ માર્કેટમાં શાકભાજીના ભાવની વાત કરવામાં આવે તો લીંબુ 160 રૂપિયા, ટામેટા 25થી 30 રૂપિયા, ભીંડા 60થી 80 રૂપિયા, તુરીયા 80 રૂપિયા, દુધી 80 રૂપિયા, ટીંડોળા 120 રૂપિયા, પરવર 120 રૂપિયા અને મરચી 120થી 140 રૂપિયા મળી રહી છે.