December 22, 2024

પાટણમાંથી ઝડપાયું સબસીડાઇઝ યુરિયા ખાતર, કિંમત 10 લાખ કરતાં પણ વધારે

ભાવેશ ભોજક, પાટણ: રવિ સિઝનની શરૂઆત પૂર્વે જ પાટણ તાલુકાના ધાયણોજ ગામ નજીક સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાંથી આઇસર ટ્રકમાંથી સબસીડાઇઝ નીમકોટેડ યુરિયાની રૂ. 10 લાખની 380 થેલી જપ્ત કરવામાં આવી છે. નાયબ ખેતી નિયામક વિસ્તરણની ટીમ અને પોલીસે સંયુક્ત રેડ કરીને સબસીડાઇઝ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો છે. ખાતરનો જથ્થો સિઝ કરી ખાતરના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમા મોકલ્યા છે. હાલ તો ખેતીવાડી વિભાગ અને પોલીસ દ્વારા આ તમામ મુદ્દામાલ ક્યાંથી લાવવામાં આવ્યો તેની તપાસ શરૂ કરાઇ છે.

ધાયણોજ ગામ પાસે આવેલા દેવનંદન રીન્યુએબલ એનર્જી સોલાર પ્લાન્ટના કમ્પાઉન્ડમાં સબસીડાઇઝ નિમકોટેડ યુરિયાના જથ્થાનો ઔદ્યોગિક હેતુ માટે ઉપયોગ થતો હોવાની બાતમી આધારે નાયબ ખેતી નિયામક વિસ્તરણ અને પાટણ તાલુકા પોલીસની સંયુક્ત ટીમે રેડ કરી ટ્રકમાં ભરવામાં આવી રહેલી સબસીડાઇઝ નીમકોટેડ યુરિયા ખાતરની 380 બેગો ઝડપી હતી. ક્રીભકો યુરિયા લખેલી 45 કિલોની 80 બેગ અને ટેકનિકલ ગ્રેડ લખેલી 45 કિલોની 300 બેગ મળી કુલ 380 બેગો સાથે 2 આઈસર ટ્રકને પકડી પાડી હતી. ખાતરનો જથ્થો અને આઇસર ટ્રક તાલુકા પોલીસને સોંપવામાં આવ્યા હતા.

નાયબ ખેતી નિયામક ની ટીમે પકડાયેલા જથ્થામાંથી પૃથક્કરણ માટે નમુના લઇ ખાતર ચકાસણી પ્રયોગશાળા ગાંધીનગર ખાતે મોકલવામા આવ્યા છે. પોલીસે આઇસર ટ્રક ચાલક ઈકો કાર ચાલક અને સોલાર પ્લાન્ટના મેનેજર સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે. ધાયણોજ નજીકથી ઝડપાયેલ ખાતરને લઈને આજે ખેતીવાડી વિભાગ દ્વારા ખાતર વિક્રેતાઓને તાબડતોબ બેઠક બોલાવી ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.