January 18, 2025

Gujarat University સંલગ્ન 3 ગ્રાન્ટેડ કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ નહીં મળે

આશુતોષ ઉપાધ્યાય, અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા હાલમાં ગુજરાત યુનિવર્સિટી સહિતની તમામ સરકારી યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ, સાયન્સ, બીબીએ-બીસીએ સહિતની કોલેજોમાં પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યુ છે, જે અંતર્ગત દરેક યુનિવર્સિટીઓને પોતાની કોલેજોની બેઠકો સહિતની વિગતો જે તે યુનિવર્સિટીની વેબસાઇટ પર મુકવા પણ શિક્ષણ વિભાગે તાકીદ કરી છે.

બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન એવી 3 કોલેજોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવાનો નિર્ણય કુલપતિ દ્વારા લેવામાં આવ્યો છે. જેમાં આશ્રમ રોડ પર આવેલી સી. યુ. શાહ કોલેજ, સાબરમતી વિસ્તારમાં આવેલી ‘સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ’ અને પાલડી વિસ્તારમાં આવેલી ‘પી. ટી. ઠક્કર કોલેજ’માં વિદ્યાર્થીઓને એડમિશન નહીં ફાળવાવનો નિર્ણય કરતા ગરીબ અને મધ્મય વર્ગના વિદ્યાર્થીઓને નુકસાન જશે. ગ્રાન્ટેડ કોલેજમાં વિદ્યાર્થી જ્યા 2500 રૂપિયામાં અભ્યાસ કરી શકે છે ત્યા 3 કોલેજમા પ્રવેશ ન ફાળવાતા વિદ્યાર્થીઓએના છુટકે ખાનગી કોલેજોમાં 20 હજાર રુપિયા સુધીની તોતિંગ ફી ભરવી પડી શકે છે.

સાબરમતી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સ્ટાફનો અભાવ હોવાને કારણે સંચાલકો દ્વારા ગત વર્ષે પ્રવેશ ફાળવવામા આવ્યો નહતો, જેને લઇને સરકાર દ્વારા કોલેજમાં વહીવટદારની નિમણૂંક કરવામાં આવી હતી, જ્યારે પી. ટી. ઠક્કર કોલેજમાં પણ સ્ટાફનો અભાવ હોવાને કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામા આવ્યા નહતા. સંચાલકોએ માગ કરી હતી કે સરકાર અધ્યાપકો ફાળવે કારણ કે અધ્યાપકો જ નહીં હોય તો વિદ્યાર્થીઓ કેવી રીતે અભ્યાસ કરશે. સાથે સાથે સી યુ શાહ કોલેજ જર્જરીત હાલતમાં હોવાને કારણે એક પણ વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામા આવ્યા નહતા ત્યારે એક વર્ષ બાદ કોલેજનું સમારકામ શરૂ કરવામા આવ્યું છે. વિદ્યાર્થી સંગઠને માંગ કરી છે કે કોલેજ અન્ય બિલ્ડીંગ ભાડે લઇને પણ વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે.

આ સમગ્ર મામલે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિએ વિદ્યાર્થીઓને પ્રવેશ ન ફાળવવાનો નિર્ણય કર્યો છે. કુલપતિએ જણાવ્યુ કે કોલજો વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપે તો વિદ્યાર્થીઓએને તકલીફ પડી રહી છે અને સી યુ શાહ કોલેજનો મામલો કોર્ટમાં હોઇ હાલમાં ત્યાં પ્રવેશ ન ફાળવવાનો નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીએ આ 3 કોલેજ મામલે પોતાના હાથ અધ્ધર કરી દીધા છે, જેને કારણે વિદ્યાર્થીઓએ મસમોટી ફી ભરીને અભ્યાસ કરવો પડી શકે છે. જો વિદ્યાર્થીઓને અન્યાય થશે તો વિદ્યાર્થી સંગઠનોએ આંદોલનની પણ ચિમકી ઉચ્ચારી છે. ત્યારે જોવાનુ એ રહે છે કે યુનિવર્સિટી આગામી સમયમાં વિદ્યાર્થીલક્ષી નિર્ણય કરે છે કે પછી ખાનગી કોલેજોને પ્રોત્સાહન આપે છે.