છ મહિનામાં EVના વેચાણમાં જોરદાર વધારો, 25 ટકાના ગ્રોથ સાથે 8 લાખ વાહનો સેલ થયા
Electric Vehicle Sales Increased: સપ્ટેમ્બરમાં ઈલેક્ટ્રિક વાહનો (EV) ના વેચાણમાં વાર્ષિક ધોરણે 25% નો વધારો થયો છે. કુલ EV રજીસ્ટ્રેશન વાહનોની સંખ્યા 1.49 લાખ હતી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1.19 લાખ ઈવીનું રજીસ્ટ્રેશન થયું હતું. આ વર્ષે આ આંકડો 1.47 લાખ હતો. ચાલું નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક (એપ્રિલ-સપ્ટેમ્બર)માં 19% વૃદ્ધિ નોંધાઈ હતી. આ સમયગાળા દરમિયાન કુલ 8.37 લાખ ઈવીની નોંધણી થઈ હતી. ગયા વર્ષે આ જ સમયગાળામાં 7.02 લાખ વાહનો નોંધાયા હતા.
પોર્ટલ રીપોર્ટ
વાહન પોર્ટલ અનુસાર, ચાલું નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનો (કાર અને એસયુવી) નું વેચાણ 43,120 યુનિટ રહ્યું છે. ગયા વર્ષે આ જ સમયગાળામાં 42,550 ઈ-પેસેન્જર વાહનોનું વેચાણ થયું હતું. પ્રથમ ક્વાર્ટરમાં વેચાણ 8.6% વધીને 22,749 યુનિટ થયું છે. બીજા ક્વાર્ટરમાં વેચાણ 6% ઘટીને 20,141 યુનિટ થયું છે. સપ્ટેમ્બરમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરનું વેચાણ 88 હજાર યુનિટ રહ્યું હતું. સપ્ટેમ્બર 2023માં તે 63 હજાર યુનિટ અને ઓગસ્ટ 2024માં 87 હજાર યુનિટ હતું. એટલે કે વાર્ષિક ધોરણે 40%નો વધારો થયો હતો. સપ્ટેમ્બરમાં ઓલા ઈલેક્ટ્રીકનું વેચાણ 23,965 યુનિટ હતું, જે ઓગસ્ટ 2014માં 26,928 યુનિટ હતું. બજાજે 18,933 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જે ઓગસ્ટમાં 16,650થી વધીને ટીવીએસ મોટર્સને બીજા સ્થાને લાવવામાં મદદ કરી હતી. સપ્ટેમ્બરમાં ઇલેક્ટ્રિક થ્રી વ્હીલરનું રજીસ્ટ્રેશન 54 હજાર યુનિટ હતું. સપ્ટેમ્બર 2023માં તે 49 હજાર યુનિટ અને ઓગસ્ટ 2024માં 52 હજાર યુનિટ હતું. એટલે કે વાર્ષિક ધોરણે 10%નો વધારો.
આ પણ વાંચો: નવી કાર લીધી હોય તો ક્યારે સીટ પરની કોથળી કાઢવી જોઈએ? કાયમી રાખશો તો નુકસાન થશે
પબ્લિક ચાર્જિંગ સ્ટેશન અંગે
ચાલું નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં EVs ના પબ્લિક ચાર્જિંગ સ્ટેશન્સ (PCS) પર વીજળીનો વપરાશ વાર્ષિક ધોરણે બમણાથી વધુ થયો છે. આ સમયગાળા દરમિયાન, 17.69 કરોડ યુનિટ ઊર્જાનો વપરાશ થયો હતો, જે વાર્ષિક ધોરણે 108% કરતાં વધુ છે. ભારતમાં 2023-24માં 16.82 લાખ ઈવી હતા. જે જુલાઈ 2024 સુધીમાં વધીને 45.75 લાખ થઈ ગઈ છે. દેશમાં 2030 સુધીમાં 5 કરોડ ઈવી હોવાનો અંદાજ છે. જેનું માર્કેટ 4 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે. ફેબ્રુઆરી 2022માં 1,800 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન હતા, જે માર્ચ 2024માં વધીને 16,347 થઈ ગયા. 40 EVs દીઠ એક સ્ટેશનનો ગુણોત્તર હાંસલ કરવા માટે ભારતને વાર્ષિક 4 લાખ સ્ટેશનો સ્થાપિત કરવાની જરૂર પડશે. સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિનું કુલ વેચાણ સપ્ટેમ્બરમાં 2% વધ્યું છે. કુલ 1,84,727 વાહનોનું જથ્થાબંધ વેચાણ થયું હતું. 27,728 કારની નિકાસ કરવામાં આવી છે, જે ગયા વર્ષના સપ્ટેમ્બરથી 23% વધુ છે.