યુક્રેનને અમેરિકા તરફથી મળતી મદદ પર લગાવી રોક, યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય
Ukraine: સત્તામાં આવ્યા પછી યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. આ સંદર્ભમાં, તેમણે યુક્રેનને આપવામાં આવતી સહાય બંધ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પનો આ નિર્ણય યુક્રેન માટે મોટો ઝટકો છે, કારણ કે આ પહેલા બાઈડન સરકાર રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં યુક્રેનને મદદ કરી રહી હતી, જેમાં અબજો ડોલરના શસ્ત્રો પણ સામેલ હતા.
એટલું જ નહીં, ટ્રમ્પ વહીવટીતંત્રે અમેરિકા દ્વારા અન્ય દેશોને આપવામાં આવતી સહાય પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, ઈઝરાયલ અને ઇજિપ્તનો આમાં સમાવેશ નથી, એટલે કે આ દેશોને અમેરિકા તરફથી મદદ મળતી રહેશે. આ પગલું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ નીતિને અનુરૂપ છે, જે વિદેશમાં સહાયને સખત રીતે પ્રતિબંધિત કરે છે.
આ આદેશ વિકાસથી લઈને લશ્કરી સહાય સુધીની ઘણી બાબતોને અસર કરશે તેવી અપેક્ષા છે. જો બાઈડનના કાર્યકાળ દરમિયાન, યુક્રેનને રશિયાનો સામનો કરવા માટે અબજો ડોલરના શસ્ત્રો મળ્યા હતા. અમેરિકન મદદને કારણે, યુક્રેન ઘણા દિવસો સુધી યુદ્ધમાં રહ્યું. અમેરિકાએ 2023 માં યુક્રેનને $64 બિલિયનથી વધુની સહાય પૂરી પાડી હતી. ગયા વર્ષે કેટલી સહાય આપવામાં આવી હતી તેની માહિતી આ અહેવાલમાં આપવામાં આવી નથી.
આ પણ વાંચો: અમેરિકા સહિત દુનિયાભરમાં રહેતા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને પાછા લવાશે, વિદેશ મંત્રાલયનું મોટું નિવેદન
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ 85 દિવસની અંદર તમામ વિદેશી સહાયની આંતરિક સમીક્ષા કરવાની હાકલ કરી છે. ટ્રમ્પે અમેરિકાનો કાર્યભાર સંભાળતાની સાથે જ આખી દુનિયામાં અરાજકતા ફેલાઈ ગઈ. ટ્રમ્પ એક પછી એક જે નિર્ણયો લઈ રહ્યા છે તેની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે. તેમના આ કઠિન અને મોટા નિર્ણયથી આખી દુનિયા ચોંકી ગઈ છે.
તાજેતરમાં ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ યુક્રેન સાથેના યુદ્ધનો અંત લાવવા માટે શક્ય તેટલી વહેલી તકે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા માંગે છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી યુદ્ધનો અંત લાવવા સોદા માટે તૈયાર છે.