January 8, 2025

સુરત ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના, અત્યાર સુધીમાં 27 લોકોની ધરપકડ

Surat: હાલ દેશભરમાં ગણેશ ગણેશ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના સુરતમાંથી એક મોટી ઘટના સામે આવી છે. મોડી રાતે સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું. જે બાદ રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો.

સમગ્ર મામલે મળતી માહિતી મુજબ ગુસ્સે ભરાયેલા લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી. આ ઘટના બાદ ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અહીં તેમણે કહ્યું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં અને પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી. જોકે, માહોલ વધારે ખરાબ થતા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ હોબાળા દરમિયાન લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને જરૂર જણાય ત્યાં ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શાંતિ ભંગ કરનારા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.

આ સિવાય ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અહીં પહોંચી ગયા હતા. સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર છ લોકોએ પથ્થરમારો કર્યો હતો. આ તમામ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહન આપવા માટે સામેલ અન્ય 27 લોકોની પણ ધરપકડ કરી છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ તૈનાત છે. શાંતિ ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે.

 

ઉલ્લેખનીય છે કે, આ ઘટના બાદ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ કેસમાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય 27 લોકોની અટકાયત કરવામાં આવી છે