May 17, 2024

સેન્સેક્સે રચ્યો ઈતિહાસ, પહેલી વખત 74,000ને પાર

Stock Market Closing: આજનો દિવસ શેરમાર્કેટ માટે ઐતિહાસિક દિવસ બની રહ્યો છે. BSE સેન્સેક્સે આજે 74,000નો આંકડો પાર કરી ઈતિહાસ રચ્યો છે. નેસ્નલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી પણ આજના સત્રમાં 22,490ના નવા હાઈ પર પહોંચી શક્યું છે. આજનું માર્કેટ બંધ થાય ત્યાં સુધીમાં સેન્સેક્સ 409 અંકના ઉછાળા સાથે 74,089 પર બંધ થયું છે. જ્યારે નિફ્ટી 118 અંકની તેજી સાથે 22,474 પર ક્લોઝ થયું છે. આ પહેલા સવારે માર્કેટ ઘટાડા સાથે શરૂ થયું હતું. જે બાદ નીચલા લેવલ પર સેન્સેક્સ 800થી વધારે જ્યારે નિફ્ટીમાં 270 અંક જેટલી રિકવરી જોવા મળી હતી.

રોકાણકારોને નુકસાન
શેર માર્કેટમાં ભલે આજનો દિવસ ઐતિહાસિક રહ્યો છે, પરંતુ માર્કેટ વેલ્યૂમાં આજે પણ ઘટાડો જોવા મળ્યો છે. BSE પર લિસ્ટેડ સ્ટોક્સની માર્કેટ વેલ્યૂ ઘટીને 391.37 લાખ કરોડ રૂપિયા થઈ છે. જે ગત સત્રમાં 393.04 લાખ કરોડ હતી. આજના સત્રમાં બજારની વેલ્યૂએશનમાં 1.67 લાખ કરોડ રુપિયાનું નુકસાન થયું છે.

સેક્ટરના હાલ
આજના કારોબારમાં બેન્કિંગ શેરોમાં ખરીદીને કારણે બજાર નીચલા સ્તરોથી રિકવર થયું છે. બેંક નિફ્ટી 384 પોઈન્ટના વધારા સાથે બંધ રહ્યો હતો. આ સિવાય ઓટો, આઈટી, ફાર્મા, પીએસયુ બેંક, એફએનસીજી, હેલ્થકેર સેક્ટર તેજીની સાથે બંધ થયા છે, જ્યારે ઓઇલ એન્ડ ગેસ, ઇન્ફ્રા, એનર્જી, મીડિયા, રિયલ એસ્ટેટ, મેટલ્સ સેક્ટરના શેર ઘટાડા સાથે બંધ થયા હતા. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલ કેપ શેરોમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. એક સમયે મિડકેપ ઈન્ડેક્સ 1000 પોઈન્ટ અને સ્મોલ કેપ ઈન્ડેક્સ 500 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો. પરંતુ નીચલા સ્તરેથી ખરીદી પાછી આવી હતી પરંતુ બંને ઇન્ડેક્સ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરો વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા. જ્યારે નિફ્ટીના 50 શેરમાંથી 32 શેર ઉછાળા સાથે અને 18 ઘટાડાની સાથે બંધ થયા હતા.