January 18, 2025

માતા સાથે રહેવું કે નહીં તે બાળકની ઈચ્છા પર નિર્ભર: દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે સગીર બાળકની ઈચ્છા જાણ્યા બાદ તેની માતા સાથે રહેવાની અવધિ વધારવાનો ઈન્કાર કરી દીધો છે. કોર્ટે કહ્યું કે બાળક પિતા સાથે રહે છે. જ્યારે તેને તેની માતા સાથે છ દિવસથી વધુ સમય રહેવાની ઈચ્છા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ ના પાડી દીધી હતી.

આ કેસમાં સગીરની ઈચ્છાને પ્રાધાન્ય આપતા જસ્ટિસ નીના બંસલ કૃષ્ણાની બેંચે કહ્યું કે કાયદાનો હેતુ બાળ કલ્યાણને પ્રાથમિકતા આપવાનો છે. બાળકે પોતે કહ્યું છે કે તે સાડા 14 વર્ષનો છે અને ધોરણ દસનો વિદ્યાર્થી છે. તે ટ્યુશન ક્લાસ લઈ રહ્યો છે. તે ઈચ્છતો નથી કે તેનું શિક્ષણ ખોરવાઈ જાય, તેથી બેન્ચે નીચલી કોર્ટના આદેશને યથાવત રાખતા માતાની અરજી ફગાવી દીધી હતી.

આ પણ વાંચો: મક્કાના રસ્તા પર ગરમીના કહેરથી 23 હજ યાત્રીઓના મોત

શું છે સમગ્ર મામલો
ખરેખરમાં આ મામલામાં બાળકની માતાએ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તે તેના પતિથી અલગ રહે છે. તેનો પુત્ર તેના પતિ સાથે રહે છે. નીચલી કોર્ટે બાળકને તેની સાથે છ દિવસ રહેવાની છૂટ આપી છે, પરંતુ ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું હોવાથી પુત્રને વધુ સમય સુધી તેની સાથે રહેવાની છૂટ આપવી જોઈએ. મહિલાએ પોતાની અરજીમાં એવી પણ ફરિયાદ કરી છે કે જ્યારે પુત્ર તેની સાથે હોય છે ત્યારે તેનો પતિ દિવસમાં 14 થી 15 વખત ફોન કરીને બાળકનું ધ્યાન ભટકાવે છે. તે એક સાથે તેમના સમયને પણ વિક્ષેપિત કરે છે. આના પર પતિ દ્વારા બેંચને ખાતરી આપવામાં આવી હતી કે બાળક જ્યારે માતા સાથે હશે ત્યારે તે દિવસમાં એકવાર ફોન કરશે. આ સિવાય માતા-પુત્રના સાથે રહેવાના સમયમાં કોઈ વિક્ષેપ નહીં આવે. હાઈકોર્ટે આ મામલે બંને પક્ષોને સાંભળ્યા બાદ અરજીનો નિકાલ કર્યો હતો.