December 19, 2024

સાણંદમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 644 દારૂની બોટલ સાથે બેની ધરપકડ

અમદાવાદઃ સાણંદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરીંગ સેલે દરોડા પાડ્યા છે. ભાટિયાવાસમાં ખુલ્લી જાહેર જગ્યા અને ઘરમાં દરોડા પાડવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન ત્યાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે.

ભૂપત ઠાકોરના મકાન અને ખુલ્લી જગ્યામાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવ્યો છે. અંદાજે 2.50 લાખથી વધુની કિંમતની 644 દારૂની બોટલો મળી આવી છે. ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલે દારૂનો જથ્થો, બાઈક સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સાથે જ દારૂ વેચનાર બે આરોપીઓની ધરપકડ કરી છે.

મુખ્ય આરોપી ભૂપત ઠાકોર સહિત ત્રણ લોકોની શોધખોળ ચાલુ છે. મકાનમાં દારૂ સંતાડવા માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. મકાનમાં દારૂ સંતાડવા ખાસ ઓરડી બનાવવામાં આવી હતી. જમીનમાં ખાસ ઓરડી બનાવીને ત્યાં દારૂ સંતાડવામાં આવતો હતો.