January 22, 2025

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટરની કામગીરી, રાજ્યમાં 27 NDRFની ટીમ તહેનાત

ગાંધીનગરઃ રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આગાહીને પગલે સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર કાર્યરત થયું છે. ત્યારે ભારે વરસાદની આગાહીને પગલે કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે.

સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર જિલ્લામાં ભારે વરસાદને પગલે સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં છે. હાલ રાજ્યમાં વરસાદને લઈ 27 ટીમો તહેનાત કરવામાં આવી છે. સરકારની 20 જેટલી SDRF અને 7 NDRFની ટીમ તહેનાત કરી છે. વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા સહિત પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તમામ જગ્યાએ એનડીઆરએફની ટીમ તહેનાત રહેશે.

ભાવનગરમાં NDRF ટીમ તહેનાત
ભાવનગરમાં NDRFના 30થી વધુ જવાનો સાધનો સાથે પહોંચી ગયા છે. જિલ્લામાં ગમે ત્યારે પૂરની સ્થિતિ સર્જાઈ તો અહીંથી ટીમને તાકીદે રવાના કરવામાં આવશે. ભાવનગર શહેર અને જિલ્લામાં NDRFની ટીમ તૈનાત રહેશે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, વિસાવદર-ગાંધીધામમાં 4 ઇંચ

દ્વારકામાં પણ NDRF ટીમ તહેનાત
દ્વારકામાં કાંઠાળા વિસ્તારમાં સલામતી હેતુ NDRFની ટીમનું પણ આગમન થઈ ગયું છે. આગામી સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં ટીમ નીચાણવાળા વિસ્તારમાં ખાસ સ્ટેન્ડ બાય રહેશે.

આ પણ વાંચોઃ દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ, બંદરો પર લાંગરેલી બોટ સલામત સ્થળે ખસેડવાની સૂચના

માછીમારોને બોટ ખસેડવાની સૂચના
દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓખામંડળમાં આવેલા બંદરો પર રહેલી બોટોને સલામત સ્થળે ખસેડવા તંત્રએ સૂચના આપી છે. ત્યારે આગાહીને પગલે ઓખા-દ્વારકા બંદરો પરની માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓખાના ડાલડા બંદર અને દ્વારકાના રૂપેણ બંદર પર લાંગરેલી બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહી છે.