December 23, 2024

શ્રીલંકન નૌસેનાએ ફરી કરી 4 ભારતીય માછીમારોની ધરપકડ, ગેરકાયદે માછીમારીનો આરોપ

Sri Lanka: શ્રીલંકન નૌસેના દ્વારા ફરી એકવાર મંગળવારે 4 ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે. નૌસેનાએ ભારતીય માછીમારો પર શ્રીલંકાની દરિયાઈ સીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રકારના આરોપો સાથે આ વર્ષે અત્યારસુધી 180થી વધુ ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવી છે.

શ્રીલંકન નૌસેનાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે જાફના દ્વીપકલ્પના ડેલ્ફ્ટ ટાપુ માંથી આજે કથિત રીતે ગેરકાયદેસર માછીમારીની ઘટનામાં એક ભારતીય નૌકા જપ્ત કરી છે અને ચાર માછીમારોની ધરપકડ કરી છે.

નૌસેનાએ વધુમાં જણાવ્યું છે કે શ્રીલંકન દરિયાઈ સીમામાં કથિત રીતે ગેરકાયદેસર માછીમારી કરવા માટે 2024માં અત્યારસુધી 182 માછીમારોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની 25 બોટ પણ જપ્ત કરવામાં આવી છે. ગત વર્ષે 2023માં 240થી 245 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ પ્રકારની મોટાભાગની ઘટનાઓ પાલ્ક સ્ટ્રેટમાં બનતી હોય છે. આ સ્થળ તમિલનાડુથી ઉત્તર શ્રીલંકા વચ્ચે એક પટ્ટો છે જે માછીમારી માટે શ્રેષ્ઠ અને માછલીઓથી સમૃદ્ધ વિસ્તાર માનવામાં આવે છે.

શ્રીલંકાના મત્સ્ય મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી 20 જૂનના રોજ જ્યારે ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર શ્રીલંકાના પ્રવાસે આવશે ત્યારે ભારતીયો દ્વારા કથિત ગેરકાયદેસર રીતે માછીમારીના મુદ્દે તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. મહત્વનું છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચે સંબંધોમાં માછીમારી એક મહત્વનો વિવાદાસ્પદ મુદ્દો બની ગયો છે. શ્રીલંકન નૌસેનાએ પાલ્ક સ્ટ્રેટમાં ભારતીય માછીમારો પર ગોળીબાર પણ કર્યો હતો અને શ્રીલંકાના જળવિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા માટે તેમની બોટ પણ જપ્ત કરવામાં આવી હતી.