May 20, 2024

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ 2023-24 સિરીઝ 4માં રોકાણ કરાય કે નહીં?

sovereign gold bond scheme 2023-24 series 4 investment

ફાઇલ તસવીર

યશ ભટ્ટ, અમદાવાદઃ વર્ષ 2023માં સતત વધતા વ્યાજદરો છતાં સોનામાં સારું રિટર્ન મળ્યું હતું. સોનામાં હવે વ્યાજદરો સ્થિર થઈ ગયા બાદ રિટર્ન મળવાની શક્યતાઓ થોડી ઓછી થઈ છે. આથી સોનાને હેજીંગ તરીકે રાખવા માટે એક સારી તક આજથી આપની સમક્ષ આવી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ ફરી આજથી માર્કેટમાં ઉપ્લબ્ધ થઈ ગયા છે. વર્ષ 2024માં પહેલી વખત સરકારે આ બોન્ડને લોકો સમક્ષ મૂક્યા છે. આ બોન્ડ માટે સોનાનો ભાવ 6263 રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કર્યો છે. આ બોન્ડ 12થી 16 ફેબ્રુઆરી સુધી રોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. આ બોન્ડ રોકાણકારોને 21 ફેબ્રુઆરી 2024ના રોજ ઈશ્યૂ કરી દેવાશે.

આ બોન્ડમાં રોકણ કરવું એક રીતે સોનું ખરીદવા જેવું જ છે. તમે સોનું ખરીદો પછી તેને સાચવવા અને સુરક્ષિત રાખવાની ચિંતા તમારે કરવી પડતી હોય છે. ઘરમાં કે બેન્ક લોકરમાં તેને રાખવા માટેની મહેનત તમારે કરવી પડે, તેના બદલે જો તમે બોન્ડ ખરીદ્યા હોય તો આપ નિશ્ચિંત થઈ શકો છો. બોન્ડને સોનાની અવેજી તરીકે જ જોવું જોઈએ.

આ બોન્ડ માટે ફેબ્રુઆરી 7થી 9 દરમિયાન સોનાના ભાવની સરાસરી કરીને નક્કી કર્યા છે. જે 6263 રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે. જો તમે ઓનલાઈન બોન્ડ ખરીદો છો તો આપને અન્ય 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ સરકાર આપી રહી છે. આ માટે તમારે ડિજિટલ માધ્યમો દ્વારા ખરીદી કરવાની રહેશે. તમે ન્યૂનતમ 1 ગ્રામ અને વધુમાં વધુ 4 કિલો સુધીના વજન પ્રમાણે સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરી શકો છો.

અહીં રોકાણના વળતર સ્વરૂપે સરકારે વર્ષે 2.5% વ્યાજ ચૂકવે છે. વર્ષે બે વખત આ વ્યાજ આપના ખાતામાં જમા થાય છે. આપના રોકાણ સમયના ભાવથી સોનાના ભાવમાં આવતી વધઘટનો ફાયદો અથવા નુકસાન આપને મળે, સાથે વ્યાજ પણ સરકાર ચૂકવે. એટલે ડબલ ફાયદો.

વર્ષ દર વર્ષ સોનામાં સતત સારા વળતર રોકાણકારોને મળતા રહ્યા છે. સામાન્ય રીતે બોન્ડની આવરદા આઠ વર્ષની હોય છે. આઠ વર્ષ સુધી આપને વ્યાજ મળે અને આઠમા વર્ષે બોન્ડ મેચ્યોર થઈ જાય એટલે આપના રોકાણમાં એ સમયે સોનાની કિંમત પ્રમણે પૈસા પરત મળી જાય. સ્વાભાવિક છે કે, આઠ વર્ષમાં સોનામાં કઈ નહીંને 10 ટકા પ્રતિ વર્ષ ભાવ વધે તો પણ આપને સારા પૈસા પરત મળે. ઉપરથી 2.5% વ્યાજ દર વર્ષે આઠ વર્ષ સુધી મળે તે નફામાં.

જો તમારે આઠ વર્ષ પહેલા બોન્ડ વેચી દેવા છે તો પણ તમે સેકંડરી માર્કેટમાં આ કરી શકો છો. એક શેરની જેમ જ બોન્ડ પણ આપને દરેક SEBI રજિસ્ટર્ડ પ્લેટફોર્મ પર ઉપ્લબ્ધ થશે.

આ બોન્ડમાંથી મળતા વ્યાજ પર આપે ટેક્સ ચૂકવવાનો રહે. પરંતુ જે અર્થોપાર્જન આપની મૂડીમાં આઠ વર્ષ સુધી થાય તેના પર કોઈ ટેક્સ લાગતો નથી. જેથી ટેક્સ બચાવવા માટે પણ આ રોકાણ માટેની સારી તક છે.

નિષ્ણાંતો માને છે કે, ટૂંકો સમયગાળો ધરાવતા રોકાણકારોએ આ બોન્ડમાં રોકાણ ન કરવું જોઈએ. પરંતુ જો આપ લાંબા સમયગાળા માટે રોકાણ કરવા ઈચ્છો છો તો જરૂરથી રોકાણ કરી શકાય. નિષ્ણાંતો આપના પોર્ટફોલિયોના 5થી 10 ટકા સુધીનું રોકાણ સોનામાં અથવા તેને સમકક્ષ બોન્ડમાં કરવાની સલાહ આપે છે. આથી આપ જરૂર આ બોન્ડમાં રોકાણ માટે વિચારી શકો છો. અલબત્ત આપના નાણાંકિય સલાહકારની સલાહ લેવી અત્યંત જરૂરી ગણાશે.