September 8, 2024

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા તોફાન મચાવશે, ભરુચ-તાપીમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ રાજ્યમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ અને દમણમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નર્મદા, ભરૂચ અને તાપી જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવામાં અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ ગઈ છે.

સુરતમાં બે દિવસ બાદ વરસાદનું આગમન
સુરત જિલ્લામાં બે દિવસના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. જિલ્લાના માંગરોળ, બારડોલી, પલસાણા, ઉમરપાડા, માંડવી, મહુવામાં વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે અને જિલ્લાવાસીઓને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.

નર્મદામાં મોડી રાતથી ભારે વરસાદ
નર્મદા જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 4 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજપીપળામાં કાછિયાવાડ, ભોઈવાડ, સફેદ ટાવર, સ્ટેશન રોડ વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો રાજપીપળાની સત્યમ નગર સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. સોસાયટીમાં 5થી 6 ફૂટ પાણી ભરાવવાથી લોકોનાં ઘરોમાં પાણી ઘૂસ્યાં છે. સોસાયટીના લોકો, સરપંચ સહિતની ટીમ પાણી નિકાલ માટે કામે લાગી ગઈ છે.

આ પણ વાંચોઃ 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ, મોડાસામાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ

24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 68 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં નોંધાયો છે. અહીં અંદાજે 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. રાજ્યના કુલ 8 જેટલા તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. દાહોદમાં 2.5 ઈંચ અને સુરતના ઉમરપાડામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.