દક્ષિણ ગુજરાતમાં વહેલી સવારથી વરસાદ, તાપી-નવસારીમાં મેઘરાજા મહેરબાન
અમદાવાદઃ વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે. તેને લઈને તંત્ર પણ એલર્ટ થઈ ચૂક્યું છે.
તાપી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારથી વ્યારા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. વ્યારા, વાલોડ અને ડોલવણ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, વરસાદને કારણે જિલ્લાવાસીઓને ભારે ઉકળાટમાંથી રાહત મળી છે.
તો બીજી તરફ, નવસારી શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ગણદેવી, નવસારી, ચીખલી, જલાલપોર, ખેરગામ, વાંસદા જેવા તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ઉકાઈ ડેમમાં મોટા પ્રમાણમાં પાણીની આવક
તાપીના ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે મોટા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. ડેમમાં 11,685 ક્યૂસેક પાણીની આવક થઈ છે, તેની સામે ડેમમાંથી પાણીની જાવક 600 ક્યૂસેક છે. હાલ ડેમની જળસપાટી 309.98 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમની ભયજનક જળસપાટી 345 ફૂટ છે.