દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, Dang-Suratમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદઃ હવામાન વિભાગે ગુજરાતમાં વિધિવત્ રીતે ચોમાસાની જાહેરાત કરી નાંખી છે. ત્યારે હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામી ગયો હોય તેવું લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના ઘણાં જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. ડાંગના વડામથક આહવાના ગલકુંડ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ત્યારે ખાપરી નદીમાં અચાનક ઘોડાપૂર આવ્યું હતું. ખાપરી નદીના કેચમેન્ટ એરિયામાં આવતા ડુબાઉ કોઝવે પર નદીના પાણી ફરી વળ્યા હતા. તેને કારણે વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો.
તો બીજી તરફ, સુરત શહેરમાં પણ વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. મહત્વનું છે કે, વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને શહેરીજનોને ભારે ઉકળાટમાંથી રાહત મળી હતી. શહેરના વરાછા, અડાજણ, કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો.