January 18, 2025

અમદાવાદમાં પુત્રએ સાવકા પિતાની છરીના ઘા ઝીકીને હત્યા કરી, પોલીસે દબોચી લીધો

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદના રોમાલના વસ્ત્રાલમાં ઘર કંકાસમાં પુત્રએ સાવકા પિતાની છરીના ઘા ઝીકીને હત્યા કરી છે. પોલીસે માતાની ફરિયાદ લઈને સાવકા પુત્રની ધરપકડ કરી છે. માતા -પિતાના ઝઘડાથી કંટાળી ગયેલા યુવકે સાવકા પિતાની ઘાતકી હત્યા કરી દીધી હતી. કોણ છે આ આરોપી અને શું હતી સમગ્ર ઘટના જોઈએ આ અહેવાલ.

પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો
પોલીસ કસ્ટડીમાં જોવા મળતો આરોપી અલ્પેશ વાઘેલા છે. આરોપીએ પોતાના સાવકા પિતા મીનેશભાઈની છરીના ઘા ઝીકીને હત્યા કરી છે. ઘટનાની વાત કરીએ તો 15 જાન્યુઆરીના રોજ મૃતક મીનેશભાઈ સિક્યુરીટી ગાર્ડની નોકરીએથી બપોરે જમવા ઘરે આવ્યા હતા. ત્યારે જમવાનું સારું નહીં બન્યું હોવાનું કહીને પત્ની ભારતીબેન સાથે ઝઘડીને નોકરી પરત જતા રહ્યા હતા. રાત્રે 8 વાગે નોકરીથી પરત ઘરે આવ્યા ત્યારે ફરી પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમ્યાન આરોપી અલ્પેશ પતંગ ચગાવીને ઘરે આવ્યો હતો. ત્યારે માતા પિતાને ઝઘડતા જોઈને તેને પોતાના સાવકા પિતાને ઝઘડો નહિં કરવા સમજાવ્યું હતું. પરંતુ મૃતક મીનેશભાઈ દીકરા અલ્પેશ સાથે મારામારી કરવા લાગ્યા હતા. બંન્ને પિતા પુત્ર ઝઘડતા ઘરની બહાર આવી ગયા હતા. ત્યારે અલ્પેશ ઘરમાંથી છરી લઈને આવ્યો અને પિતા પર છરીથી હુમલો કરીને હત્યા કરી દીધી હતી. આ હત્યા કેસમાં રામોલ પોલીસે માતા ભારતીબેનની ફરિયાદ લઈને આરોપી અલ્પેશની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: અમદાવાદમાં નરોડા પોલીસે જ પોલીસ વિરુદ્ધ ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું

બાળકોનું ભરણ પોષણ કર્યું
પોલીસ તપાસમાં સામે આવ્યું કે 30 વર્ષ પહેલાં આરોપીની માતા ભારતીબેનના અમરેલીના કિશોરભાઈ વાઘેલા સાથે લગ્ન થયા હતા. તેમના બે સંતાનમાં અલ્પેશ અને નીલમ છે. પરંતુ પતિ પત્ની વચ્ચે મનમેળ નહિં થતા 7 વર્ષ પછી છૂટાછેડા લીધા હતા. ભારતીબેનએ પાંચ વર્ષ સુધી મજુરી કરીને બાળકોનું ભરણ પોષણ કર્યું હતું. આ દરમ્યાન મૃતક મીનેશભાઈ સાથે પ્રેમસંબંધ થતા બંન્ને 20 વર્ષથી પતિ પત્નીની જેમ રહે છે. મૃતક મીનેશભાઈ અને તેમની પત્ની ભારતીબેન વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. જેથી ઘર કંકાસના કારણે અલ્પેશ કંટાળી ગયો હતો. વાસી ઉત્તરાયણના દિવસે પણ પતિ પત્નીના ઝઘડાના કારણે ઉશ્કેરાયેલા અલ્પેશએ છરીના ઘા ઝીકીને પિતાની હત્યા કરી દિધી હતી. આ હત્યા કેસમાં મૃતકના અંતિમ સંસ્કાર કરનાર પરિવારનો કોઈ સભ્ય નહીં હિં હોવાથી પોલીસે મૃતકનું અંતિમ સંસ્કાર કરાવ્યું હતું.. હાલમાં પિતાની હત્યા કરનાર આરોપી પુત્રની પોલીસે ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યો છે. આ હત્યા પાછળ ઘર કંકાસ જ છે કે અન્ય કોઈ અદાવત હતી તે મુદ્દે પણ તપાસ શરૂ કરી છે.