January 27, 2025

સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પરનો બ્રિજ લોકાર્પણ પહેલા જર્જરીત અને જોખમી બન્યો

અરવિંદ સોઢા, ગીર સોમનાથ: પ્રવાસન સ્થળોને વિકસાવા અને લોકોને આવકારવા બની રહેલા નવા સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પરનો બ્રિજ લોકાર્પણ પહેલા જ જર્જરીત અને જોખમી બન્યો છે. જેને લઈ સ્થાનીકોનો આક્રોશ ભર્યો આક્ષેપ કર્યો છે. ગોરખ મઢી નજીક આવેલ નેશનલ હાઇવેનો બ્રિજ ભારે ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારીનો નમુનો બન્યો છે. નવા નકોર પુલ પર વાહન લઈને પસાર થતાં લોકો ફફડી રહ્યા છે, છતાં તંત્રનું “ઓલ ઈઝ વેલ”.

વિશ્વ ફલક પર સોમનાથ, દીવ, દ્વારકા આવનારા પ્રવાસીઓ કોસ્ટલ દરિયા પટ્ટી પર છે. ઓખા દ્વારકાથી ભાવનગર સુધીના પ્રવાસન સ્થળો માણી શકે તે માટે હાલ સોમનાથથી ભાવનગર નવો નેશનલ હાઈવે બની રહ્યો છે. ક્યાંક કામ ચાલુ છે, તો ક્યાંક અધૂરું છે. હજુ સત્તાવાર રીતે તેને ચાલુ કરાયો નથી, કારણ કે અસંખ્ય જગ્યાઓ પર ડાઈવર્ઝનોથી વાહન વ્યવહાર કાર્યરત છે. આમ છતાં સોમનાથથી ઉના સુધીમાં 40 કિલોમીટરના અંતરે બે ટોલ બુથ તો ટોલટેક્સ ઉઘરાવતા શરૂ કરી દેવાયા છે.

સ્થાનિકો ટોલટેક્સ ભરી પણ રહ્યા છે, પરંતુ પ્રાચી તીર્થના ગોરખમઢી ગામ પાસે મોટો પુલ બનાવાયો છે. આ મહાકાય પુલ સ્થાનિકોના જણાવ્યા મુજબ ગત ચોમાસામાં જ શરૂ કરાયો હતો. અને થોડા જ સમયમાં તે બેસી ગયો હતો. ત્યાર બાદ તેનું રીપેરીંગ કામ કરી ફરી પાછો શરૂ કરાતા આ બ્રિજ અનેક જગ્યાએથી ફાટ્યો છે. લાંબાગાળાની અનેક મોટી તિરાડો ફરી પડતા લોકો આ બ્રિજ પરથી પસાર થતાં ફફડી રહ્યા છે. લાંબી અને જોખમી તિરાડોના કારણે અહીં અનેક અકસ્માતો બની રહ્યા છે. લોકો અહીંથી પસાર થતાં ગભરાઈ રહ્યા છે. ત્યારે નવા નકોર નેશનલ હાઇવે પરનો આ પૂલ સ્થાનિકોના મતે ભારે ભ્રષ્ટાચારના કારણે આ સ્થિતિમાં મુકાયો છે.

સ્થાનિકોની વાત નેશનલ હાઇવેના અધિકારીઓ સાંભળતા નથી કે નથી કન્ટ્રાકટરો સાંભળતા. સ્થાનિકોની માગ એવી છે કે આ નેશનલ હાઈવે પર ભારે માત્રાના ઔદ્યોગિક વાહનો દિવસ રાત પસાર થવાના છે. ત્યારે બનતાની સાથે જ તૂટી જનાર પુલ કેટલું લાંબુ ટકશે તે સવાલ છે અને આ બ્રિજ પર અકસ્માતોથી અનેક લોકોના જીવ પર જોખમ ઊભું થયું છે તેની જવાબદારી કોણ લેશે તેવું સ્થાનિકો પૂછી રહ્યા છે?