November 15, 2024

મણિપુરમાં કંઈક નવા-જૂનીના એંધાણ? પોલીસે આધુનિક હથિયારો ખરીદ્યા…!

Manipur Violence : મણિપુર ફરી એકવાર હિંસાની આગમાં સળગી રહ્યું છે. લોકો વિવિધ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ જાતીય સંઘર્ષને અંકુશમાં લેવા માટે સુરક્ષા દળોની તૈનાતી વધારી છે. ઉગ્રવાદીઓ દ્વારા વધતા હુમલાઓ વચ્ચે મણિપુર પોલીસે મીડિયમ મશીન ગન (MMG) ખદીદ્યા છે. પોલીસ વિભાગે ભારતીય સેના પાસેથી એમએમજીની તાલીમ આપવા માટે મદદ માંગી છે. હવે મોટો પ્રશ્ન એ થાય છે કે શું મણિપુરમાં કંઈક મોટું થવાનું છે?

સામાન્ય રીતે પોલીસ દળો અને કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળો દ્વારા 7.62 mm મધ્યમ મશીનગનનો ઉપયોગ કરવામાં આવતો નથી. આ હથિયારનો ઉપયોગ યુદ્ધના મેદાનમાં દુશ્મનો પર ગોળીઓ વરસાવવા માટે થાય છે. આ વખતે મણિપુરમાં ઉગ્રવાદીઓ દ્વારા ડ્રોન અને અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેના કારણે સરકારની ઉંઘ ઉડી રહી છે. આવી સ્થિતિમાં, શક્ય છે કે મણિપુર પોલીસને બદમાશોનો સામનો કરવા માટે એમએમજી જેવા ખતરનાક આધુનિક હથિયારોથી સજ્જ કરવાની તૈયારી ચાલી રહી છે.

કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા
આ અંગે મણિપુર પોલીસ પર આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે, આ હથિયારનો ઉપયોગ મેઇતેઇ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસાનો સામનો કરવા માટે થઈ શકે છે. મણિપુર પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપાધ્યક્ષ લેમતિન્થાંગ હાઓકિપે ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે પોલીસ કમાન્ડોને પહેલાથી જ હિંસાગ્રસ્ત રાજ્ય મણિપુરમાં મિડિયમ મશીન ગન (MMG)નો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે, MMGનો ઉપયોગ કેવી રીતે અને કોના પર થાય છે.

પોલીસકર્મીઓને તાલીમ આપવા માટે સેનાએ મદદ માંગી હતી
કુકી સમુદાયના લોકોએ પોલીસ પર મેઇતેઇ સમુદાયની તરફેણ કરવાનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે પોલીસે તેને રક્ષણ આપ્યું ન હતું અને કેટલીકવાર તેની સામે હિંસામાં ભાગ લીધો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિનાના પહેલા અઠવાડિયામાં એવા અહેવાલ આવ્યા હતા કે મણિપુર પોલીસે MMG ખરીદી છે અને તેના કર્મચારીઓને તાલીમ આપવા માટે સેનાની મદદ માંગી છે.

જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરીમાંથી ખરીદી હતી મશીનગન
આ અંગે મણિપુર સરકારના એક અધિકારીએ જણાવ્યું કે મણિપુર પોલીસ પાસે છેલ્લા ઘણા સમયથી MMG છે. જબલપુરની ઓર્ડનન્સ ફેક્ટરીમાંથી MMGની ખરીદી બાદ, મણિપુર પોલીસ ટ્રેનિંગ કોલેજ, પંગાઈના ડિરેક્ટરે આર્મીના 57મા માઉન્ટેન ડિવિઝનને પત્ર લખીને વિનંતી કરી હતી કે, MMGs પર તાલીમ માટે તેમને એક ટીમ ઉપલબ્ધ કરવામાં આવે. મણિપુર પોલીસ કર્મચારીઓની MMG તાલીમ 9 સપ્ટેમ્બરથી શરૂ થવાની અને 21 દિવસ સુધી ચાલવાની અપેક્ષા હતી.

અગાઉ પોલીસ LMGનો ઉપયોગ કરતી હતી
નોંધનીય છે કે, મણિપુર પોલીસે અગાઉ એલએમજી (Light Machine Gun)નો ઉપયોગ કર્યો હતો, જેમાંથી કેટલીક ગયા વર્ષે મે-જૂનમાં જાતિ સંઘર્ષ દરમિયાન લૂંટાઈ હતી. એપ્રિલ 2024 માં, એક સમાચાર આવ્યા હતા કે મણિપુરમાં સુરક્ષા દળો પાસેથી લૂંટાયેલા 4,200થી વધુ હથિયારો હજુ પણ ગુમ છે.