December 19, 2024

સ્માર્ટ સિટીમાં ‘સ્માર્ટ’ ચોરી, ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

અમિત રૂપાપરા, સુરત: ગુજરાતમાં ક્રાઈમના દરમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને સુરતમાં તો ક્રાઈમના દરમાં ભારે વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી એક વાર સ્માર્ટ સિટી સુરતમાં ગૂગલની મદદ લઈને ચોરી કરવામાં આવી હતી. જે સ્માર્ટ ચોરને સુરત ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્ર થી ઝડપી પાડ્યો છે.

મોંઘા મોબાઈલની ચોરી
આ ચોરે સુરતની એક મોબાઇલની દુકાનમાંથી લાખો રૂપિયાના મોંઘા મોબાઈલની ચોરી કરી હતી. બાતમીના આધારે પોલીસે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી હતી. ચોરને મહારાષ્ટ્રના કલ્યાણ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. આ ચોરે રોકડા રૂપિયા 1 લાખ રૂપિયા અને અલગ-અલગ કંપનીના કુલ 50 મોબાઈલ જેની કિંમત 28,10,669 એમ કુલ મળી 29,10,669ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી
આ મામલે કાપોદ્રા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ તપાસ કરી રહી હતી. તે દરમિયાન ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી. જેના આધારે તપાસ કરતા આરોપીની ધરપકડ મહારાષ્ટ્રના કલ્યાણથી કરવામાં આવી હતી.આ આરોપી રામનિવાસ સાથે એકટીવા મોપેડ ઉપર સવાર થઈ મુંબઈ કલ્યાણના ઉલ્લાનનગરથી બાય રોડ નવસારી ખાતે આવેલ ધોળાપીપળા મેઈન હાઈવે પર આવી એક હોટલમાં રોકાયા હતા. બાદમાં તેઓ બારડોલીના એક મોબાઈલમાં પણ ચોરી કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ સફળતા મળી ન હતી. અંતે આરોપીઓએ ગૂગલ મારફતે મોબાઈલની દુકાન શોધતા તેઓને ગુજરાત નામની દુકાન મળી આવી હતી. જેથી તેઓ રાત્રી દરમિયાન 2 વાગ્યે નવસારીથી નીકળીને કાપોદ્રા આવી પોહ્ચ્યા હતા અને ચોરીનો સમયે બંને આરોપીઓ સાથે જ હતા. ચોરી કર્યા બાદ ફરી પાછી નવસારીની હોટલમાં જઈ ત્યાં રોકાઈ સવારે 10 વાગે ચેકઆઉટ કર્યા બાદ મુંબઈ જતા રહ્યા હતા.

આ પહેલા પણ ગુનાઓ
આ બંને આરોપીઓની મુંબઈના જૈલમાં મુલાકાત થઇ હતી. ત્યારબાદમાં બંને સાથે જ છૂટીને ગૂગલ મારફતે મોબાઈલની દુકાનો શોધતા અને ચોરીઓ કરતા હતા .આ બંને આરોપીઓ વિરુદ્ધ મુંબઈમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનનો ગુના નોંધાયા છે. તો ક્રાઇમ બ્રાન્ચે ફરાર આરોપી રામનિવાસ મંજુ ગુપ્તાની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.