સ્લોવાકિયાના વડાપ્રધાન ગોળીબારમાં ઘાયલ, હુમલાખોરની ધરપકડ
Slovakia PM injured in shooting: યુરોપિયન દેશ સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો પર ગોળીબાર થયો છે જેમાં તેઓ ઘાયલ થયા છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. સમાચાર ટેલિવિઝન સ્ટેશન TA3 અનુસાર, આ ઘટના રાજધાનીના ઉત્તર-પૂર્વમાં લગભગ 150 કિલોમીટર દૂર હૈંડલોવા શહેરમાં બની હતી. જેમાં એક શંકાસ્પદ ઇસમની અટકાયત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા હતા પીએમ ફિકો
અહેવાલો અનુસાર પીએમ ફિકોને ગોળી મારવામાં આવી હતી જ્યારે તેઓ હૈંડલોવા શહેરમાં એક સાંસ્કૃતિક સમુદાય કેન્દ્રની સામે ભીડનું અભિવાદન કરી રહ્યા હતા, જ્યાં એક સરકારી બેઠક યોજાઈ હતી. ઘટનાસ્થળ પરના પત્રકારોના જણાવ્યા અનુસાર, ઘણી ગોળીઓનો અવાજ સંભળાયો હતો. સ્લોવાક નેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને તેમના કથિત હુમલાખોરને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, વીજળી પડતા બે લોકોના મોત
પીએમને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવાયા
એક સાક્ષીએ ડેનિક એન વેબસાઇટને જણાવ્યું કે તેણે ત્રણ કે ચાર શોટ સાંભળ્યા હતા અને પીએમ ફિકોને જમીન પર પડતા જોયા હતા. તેણે પીએમના માથા અને છાતી પર ઘા જોયા હતા. તેમની સુરક્ષા ટીમે શરૂઆતમાં તેમને કારમાં બેસાડાયો અને સ્થાનિક અહેવાલો અનુસાર તેમને હેલિકોપ્ટર દ્વારા નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હૈંડલોવાના સાંસ્કૃતિક કેન્દ્રની બહાર કેટલાક લોકો શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે દોડી રહેલા એક વીડિયોમાં દેખાય છે.