December 25, 2024

ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતી, ક્રૂડ ઓઈલના ભાવમાં થશે વધારો!

અમદાવાદ: ઈરાને ઈઝરાયલ પર એકસાથે 200 મિસાઈલથી હુમલો કર્યો છે. તો બીજી તરફ ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે હુમલાની જવાબી કાર્યવાહી માટે વાતચીત ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર આ યુદ્ધના કારણે કાચા તેલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલ જઈ શકે છે.

ઈરાન ઓપેકાનો ત્રીજો સૌથી મોટો ઓઈલ પ્રોડ્યુસર છે. જો ઈઝરાયલ પણ ઈરાન પર હુમલો કરે છે તો અમેરિકા ઈરાન પર પ્રતિબંધ લગાવશે. જેના કારણે કાચા તેલના ભાવમાં જોરદાર વધારો થઈ શકે છે. એક તરફ પહેલાથી જ કાચા તેલની સપ્લાય અને પ્રોડક્શનને લઈને સમસ્યાઓ ચાલી રહી છે. હવે મિડિલ ઈસ્ટની ટેન્શનમાં ઈરાનના આવવાથી આ નુકસાનમાં વધારો થઈ શકે છે. હવે દુનિયાના એ તમામ દેશોએ વધુ પૈસા ચૂકવવા માટે તૈયાર રહેવું પડે જે દેશો તેના વપરાશના 80 ટકા કાચુ તેલ આયાત કરે છે.

શું કાચા તેલની કિંમત 100 ડોલર સુધી જશે?
હાલમાં ગલ્ફ દેશોમાંથી તેલ બેરલ દીઠ 90 ડોલરથી ઉપર ટ્રેડ થઈ રહ્યું છે. આ હુમલા અને ઈરાન પર સંભવિત અમેરિકન કાર્યવાહીને ધ્યાનમાં રાખીને જ્યારે સોમવારે આંતરરાષ્ટ્રીય બજારો ખુલશે. કાચા તેલની કિંમતોમાં જબરદસ્ત વધારો થઈ શકે છે ક્રૂડ ઓઈલની કિંમતમાં 10 ટકાથી વધુનો વધારો થઈ શકે છે. જેનો અર્થ એ થયો કે બ્રેન્ટ ક્રૂડ ઓઈલ એટલે કે ગલ્ફ દેશોમાંથી આવતા તેલની કિંમત પ્રતિ બેરલ $100 સુધી પહોંચી શકે છે. મતલબ કે બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમતમાં પ્રતિ બેરલ 10 ડોલરનો વધારો જોવા મળી શકે છે. બીજી તરફ અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થશે અને કિંમત પ્રતિ બેરલ $95 સુધી પહોંચી શકે છે.

છેલ્લે ક્યારે કિંમત $100 હતી?
લગભગ 21 મહિના પહેલા કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલર જોવા મળી હતી. 31 ઓગસ્ટ, 2022 ના રોજ બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત બેરલ દીઠ $ 100.46 પર દિવસના ઉચ્ચ સ્તરે પહોંચી હતી. ત્યારપછી ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત વર્ષથી ઈઝરાયેલ અને ગાઝા યુદ્ધ બાદ કાચા તેલની કિંમત પ્રતિ બેરલ 85 ડોલરથી વધુ જોવા મળી રહી છે.

આ પણ વાંચો: 200 કરોડની સંપતિ દાન કરી ગુજરાતના બિઝનેસમેન પત્ની સાથે લેશે દીક્ષા

શું અસર થઈ શકે?
જો ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલર થઈ જશે તો વિશ્વના તે દેશોમાં ઈંધણની કિંમતો વધશે. જેઓ તેમની જરૂરિયાત માટે મોટા ભાગના ક્રૂડ ઓઈલની આયાત કરે છે. જો આપણે ભારતની વાત કરીએ તો સરકારી આંકડાઓ અનુસાર, ભારત તેની જરૂરિયાતના 85 ટકાથી વધુ તેલની આયાત કરે છે. આવી સ્થિતિમાં જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત વધે તો દેશની પેટ્રોલિયમ કંપનીઓને મોંઘુ ક્રૂડ ઓઈલ ખરીદવું પડશે. જેના કારણે પેટ્રોલિયમ કંપનીઓનો ખર્ચ વધશે. આવી સ્થિતિમાં તેમણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવો પડશે. જો ક્રૂડ ઓઈલની કિંમત પ્રતિ બેરલ 100 ડોલરની પાર જાય છે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઈ શકે છે. શક્ય છે કે ચૂંટણીના પરિણામો જાહેર ન થાય ત્યાં સુધી કિંમતોમાં કોઈ ફેરફાર ન થાય, પરંતુ જૂનના પહેલા અઠવાડિયા પછી પેટ્રોલિયમ કંપનીઓ કડક પગલાં લઈ શકે છે.

કાચા તેલની વર્તમાન કિંમત
આંતરરાષ્ટ્રીય બજાર બંધ હોવા છતાં શુક્રવારે અમેરિકા અને ખાડી દેશોના ક્રૂડ ઓઇલમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. ડેટા અનુસાર, ખાડી દેશોમાંથી ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 90.45 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું છે. જો ચાલુ વર્ષની વાત કરીએ તો કાચા તેલની કિંમતમાં 17.10 ટકાનો વધારો જોવા મળ્યો છે. જ્યારે છેલ્લા એક મહિનામાં કાચા તેલના ભાવમાં લગભગ 6 ટકાનો વધારો થયો છે. બીજું, અમેરિકન ક્રૂડ ઓઈલના ભાવ પ્રતિ બેરલ $85.45 પર છે. જે પ્રતિ બેરલ $95 સુધી પહોંચવાની આશા છે. જો છેલ્લા એક મહિનાની વાત કરીએ તો કાચા તેલની કિંમતોમાં 5.41 ટકાનો વધારો થયો છે. બીજી તરફ જો ચાલુ વર્ષની વાત કરીએ તો કાચા તેલની કિંમતમાં 20 ટકા સુધીનો વધારો જોવા મળ્યો છે.